આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯ મું
ગવાઈ રહેલું બારડોલી
 


જતા હતા. મને તેમણે ગાડામાં બોલાવી લીધો. એમના મલકાટનું કારણ શ્રી. મોહનલાલ પંડ્યાએ મને જણાવ્યું. પંચ થવાનો હુકમ ન માનવાને માટે એમને કોર્ટનું તેડું આવ્યું હતું. એમનો હરખ ન માય, ઘણા મહિનાની સજા થાય તો કેવું સારું એમ કહેતા હતા. ‘આ પહેલીવાર કોરટને પગથિયે ચડવાનો. મારા ગામમાંથી કોઈ પણ જણ છેલ્લાં પચાસ વર્ષમાં કોરટને બારણે ચડ્યો નથી,’ એમ તેમણે મને ખબર આપી. એમની સામે ફરિયાદ કરનાર ફોજદાર હતો. ફોજદારે ફરિયાદ કરી કે આ માણસને પંચ થવાનો હુકમ કર્યો, એણે ન માન્યું. કેવો હુકમ કર્યો, એમ પુછાતાં તેણે હુકમની નકલ રજૂ કરી. તેની અને મૅજિસ્ટ્રેટની વચ્ચે થતી વાતો એટલે તેની જુબાની તે જ બોલે અને તે જ સાંભળે ! આપણ ખેડૂતને જ્યારે આ જુબાની વાંચી સંભળાવવામાં આવી ત્યારે તે તો આભો જ બની ગયો. જ્યાં બેઠો હતો ત્યાંથી ઊછળી ઊભો થયો, અને ફોજદાર સામે જોઈને બોલવા લાગ્યો : ‘સાહેબ, ઈશ્વરને સાક્ષી રાખીને બોલો છો કે ? સાચું બોલો છો કે તમે મને લેખી હુકમ આપ્યો છે ?’ ફરી બોલ્યો : ‘ઈશ્વરને સાક્ષી રાખીને સાચું કહો.’ પણ ફોજદાર તેના તરફ જુએ શેનો ? ખેડૂતની આંખો લાલ થઈ. ‘ઈશ્વરના નામ ઉપર આમ અત્યાચાર થતો હશે ?’ એ વિચારથી તેનું હૈયું ઘવાયું. કોર્ટમાં જૂઠાણાની કાંઈ નવાઈ છે ? પણ આ બિચારો કોઈવાર એ ‘ન્યાયમંદિર’માં ગયો હોય તો ના ? પણ એ ફોજદારને વિષે પણ આ ખેડૂતને કડવું વેણ કહેતો ભાગ્યે જ કોઈ એ સાંભળ્યું હશે.

આ પ્રકારનું શાંત તેજ તાલુકામાં જ્યાંત્યાં જોવામાં આવતું હતું અને એ જોવાને લોકોનાં ટોળાં જ્યાંત્યાંથી ઊતરતાં હતાં. પ્રકરણને આરંભે ટાંકેલા ઉદ્‌ગારો સરદારે ચાર મહિના ઉપર કાઢ્યા હતા, અને તે અક્ષરશઃ સાચા પડ્યા હતા.