આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦ મું
ગાજવીજ
 


કિંમત લીધી છે કે કેટલી તે જાહેર કરે, નહિ તો જમીન જેટલી કિંમતે વેચી છે તે પ્રમાણે સરકાર મહેસૂલ ઠરાવે. . . જમીન રાખનારાઓની સામે તો પારસી ભાઈઓ અને બહેનોની ટુકડીઓ ઊભી રહેશે ને કહેશે: મારો ગોળીઓ અને પચાવો જમીન; તમે જમીનમાં હળ મૂકો તે પહેલાં અમારી લેાહીની નીક વહેરાવવી પડશે અને અમારાં હાડકાનું ખાતર કરવું પડશે.”

બીજે એક ઠેકાણે કહ્યું :

“સરકાર જાહેરનામું બહાર પાડીને કહે છે કે ર૯મી જૂન સુધીની તમને મહેતલ આપીએ છીએ. આવા વાયદાના સોદા જ કરવા હોત તો પ્રજા આટલી મહેનત ને આટલાં સંકટ શા સારુ વહોરત ? . . . જાહેરનામામાં પઠાણની ચાલચલકતને ‘દરેક રીતે નમૂનેદાર’ કહેવામાં આવી છે તેમ કરોને તમે તેમનું અનુકરણ! તમારા અમલદારોને કહી દો કે એ પઠાણ જેવી જ નમૂનેદાર ચાલ ચાલે, પછી તમારે કોઈની સારી ચાલના જામીન લેવાપણું જ નહિ રહે. . . . સરકારને આપણું સંગઠન ખૂંચે છે. ખેડૂતને હું સલાહ આપું છું કે તમને દગો દે તેને બિલકુલ જતો ન કરો. તેને કહી દો કે આપણે એક હોડીમાં બેસીને ઝુકાવ્યું છે; તેમાં તારે કાણું પાડવું હોય તો તું હોડીમાંથી ઊતરી જા, અમારે ને તારે વહેવાર નહિ. આ સંગઠન અમારા રક્ષણ માટે છે, કોઈ ને દુઃખ દેવા માટે નથી. સ્વરક્ષા માટે સંગઠન ન કરવું એ આપઘાત કરવા બરાબર છે. વૃક્ષને વાડ કરી ઢોરથી બચાવીએ, ગેરુ લગાવીને ઊધઈથી બચાવીએ તો આવડી જબરી સરકાર સામે લડત માંડી છે તેમાં ખેડૂત પોતાના રક્ષણ માટે વાડ શા સારુ ન કરે ? . . . સરકાર કહે છે કે પહેલા પૈસા ભરી દો. ચોર્યાસી તાલુકાએ ભરી જ દીધા છે તો ? તેથી તમે તેને કયો ઇનસાફ આપ્યો ? . . . જાહેરનામામાં જપ્તીનો માલ રાખનારા અને જમીન રાખનારા મળ્યા છે એવી બડાશ હાંકવામાં આવી છે. મળ્યા તો કોણ મળ્યા છે ? માલ રાખનાર તમારા જ પટાવાળા અને પોલીસ, ભેંસ રાખનારા એકબે ખાટકી ખુશામત કરીને સૂરતથી લાવ્યા, અને જમીન રાખનારા સરકારના ખુશામતિયા અને સરકારી નોકરના સગાઓની કેવી આબરૂ છે તે જગત જાણે છે. ”

આ પછી જે ત્રણ વિભાગમાં જમીન વેચાઈ ગયાનું જાહેર થયું હતું તે ત્રણ વિભાગમાં શ્રી. વલ્લભભાઈએ બહેન મીઠુબહેન, બહેન ભક્તિબહેન, અને પોતાની પુત્રી બહેન મણિબહેનને તે વેચાયેલી જમીન ઉપર ડેરા નાંખીને બેસવાની વ્યવસ્થા કરી.

૧૬૫