આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લોકશિક્ષણ
 


રાજ્ય તદ્દન પોલું ફૂંકમાં ઉડી જાય એવું છે.’ લોકશિક્ષક તરીકે સરદારની તુલના સહેજે લોકમાન્ય તિલકની સાથે કરવાનું મન થાય છે. તેમનાં સુપ્રસિદ્ધ અહમદનગર અને બેલગામનાં ભાષણો જેમણે વાંચ્યાં હશે તેમને સરદારનાં આ ભાષાણોનું તે ભાષણો સાથે અજબ સામ્ય જણાશે.

“સરકાર શી ચીજ છે ? કોઈએ તેને દેખી હોય તો બતાવોની ? ” હું તો દેખતો નથી, કારણ તે ભૂત જેવી છે. સરકાર એટલે કે શું ? સરકાર એટલે મામલતદાર ? ફોજદાર કે તલાટી ? કે પટેલ ? કે વેઠિયો ? આ બધાની મળીને સરકાર બનેલી છે એટલે એને ક્યાં પત્તો લાવો ? કોઈ એક વ્યક્તિ નથી એટલે આપણે કોને સરકાર માનીએ ? આપણે પોતે જ ભ્રમથી અમુક એક જણને સરકાર માનીએ છીએ અને પછી તેનાથી ડરીએ છીએ. તેથી હું તમને કહું છું કે તમારો ભ્રમમૂલક ડર કાઢી નાંખો. તમારે ડરવાનું શા માટે હોય ? તમે કોઈની ચોરી કરી નથી, તમે લૂંટફાટ કરી નથી, મારામારી કરી નથી.”

આ શબ્દો લોકમાન્યના કોઈ પણ ભાષણમાં મૂકી દીધા હોય તો ખબર ન પડે કે એ બીજા કોઈના ઉદ્‌ગારો છે. અમલદારો વિષેના તેમના બીજા ઉદ્‌ગારો તો ‘દુ:ખની વખતે રૈયતની પડખે ઊભા રહે તે અમલદાર, બાકી બધા હવાલદાર ?’ એવી અમલદારની સૂત્રરૂપ વ્યાખ્યાની ઉપર ભાષ્યરૂપ હતા.

૨. સંગઠન — બે પ્રકારનાં સંગઠન તાલુકામાં જરૂરનાં હતાં. એક તો સાહુકારો અને ગરીબો, જમીન ગણોતે આપનારા અને જમીન ગણોતે લેનારા એ બે વર્ગની વચ્ચે, અને બીજું સંગઠન જમીન જાતે ખેડનારાઓ વચ્ચે, પછી તે ગમે તે જાતપાતના હોય. આરંભમાં પહેલું સંગઠન એ વધારે આવશ્યક હતું. જમીન ન ખેડનારા અને મુકાબલે સુખી એવાને ખેડૂતનો સ્વાર્થ એ જ તેમને સ્વાર્થ છે અને ખેડવાની એક પણ વીઘું ભોંય ન હોય અને કેવળ ગણોતે ખેડતા હોય તેવાને સાહુકારનો સ્વાર્થ એ પણ તેમનો સ્વાર્થ છે એ સમજાવવાનું કામ મોટું કામ હતું. સુભાગ્યે ઍંડર્સનના ઊંધા આંકડા છતાં બારડોલીમાં આવો વર્ગ બહુ ઓછો હતો, જાતે ખેતી કરનારાઓની જ સંખ્યા ૯૦ ટકા થવા જાય એટલી હતી. છતાં શ્રી. વલ્લભભાઈ એ લડતના આરંભના

૧૭૧