આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘બારડોલી દિન’
 


મોકલી. ગાંધીજી કે સરદાર તેમને આવવા દે એમ તો હતું નહિ, એટલે તેમણે કાગળ લખ્યો :

“રૂ. ૫૦૦ની નજીવી ભેટ હું મારી ખાનગી આવકમાંથી મોકલું છું. બારડોલી આજે હિંદુસ્તાનની લડત લડી રહ્યું છે, અત્યારે એ એક જ રસ્તો રહેલો છે. હિંદ અખિલ ભારતીય સવિનયભંગ નથી કરી શકતું એટલે આવી છૂટી છૂટી લડતો લડવી એ જ આપણે માટે શક્ય છે. ઈશ્વર બારડોલીનું રક્ષણ કરો. મારા મિત્રોએ મારી રકમની સાથે રૂ. ૧,૫૦૦ પોતા તરફથી ભર્યાં છે.”

સત્યાગ્રહફંડનાં નાણાંનો ઇતિહાસ તો દેશના ઈતિહાસમાં રહી જાય એવો કહેવાય. બારડોલીમાં તો ચેક અને મનીઑર્ડર ચાલ્યા આવતા હતા જ, તેવી જ રીતે ‘નવજીવન’ અને ‘યંગ ઇંડિયા’ ઓફિસે પણ આવતા હતા. આ નાણાં ભારતના પ્રત્યેક પ્રાંતમાંથી જ નહિ, પણ દૂર દૂર દેશો — ફ્રાન્સ, બેલ્જિયમ, જાપાન, ચીન, ન્યુઝીલૅંડ, મલાયસ્ટેટ્સ અને ફીજીમાંથી આવતાં હતાં. દક્ષિણ આફ્રિકાનાં નાણાં તો જાણે બારડોલીનાં જ ગણાય. આ નાણાંમાં કેવાં કેવાં પવિત્ર દાનો હતાં એ તો માત્ર થોડા જ દાખલા આપીને બતાવી દઉં.

અમદાવાદના મજૂરમંડળે આ લડતમાં ખૂબ રસ લીધો હતો. ગરીબ મજૂરોએ એક એક આનાની રસીદો કાઢી, અને એ મહામહેનતે બચાવેલા પોતાના પરસેવાના એકએક આનામાંથી દોઢ હજાર રૂપિયા તેમણે મોકલ્યા. સ્વામી શ્રદ્ધાનન્દજીના ગુરુકુળના બ્રહ્મચારીઓએ આશ્રમની મરામત વગેરે કરીને પચાસ રૂપિયા ભેગા કર્યા. ગુરુકુળના કાર્યકર્તાઓએ બસેં રૂપિયા આપ્યા. એ બસેંમાં ગુરુકુળના એક રસોઇયાએ આગ્રહપૂર્વક પોતાનો એક રૂપિયો નાંખ્યો. સૂપા ગુરુકુળના બ્રહ્મચારીઓએ કેટલાક દિવસ ઘીદૂધનો ત્યાગ કર્યો, મજૂરી કરી અને પાંસઠ રૂપિયા આપ્યા. ત્યાંના કાર્યકર્તાઓએ પંચાસી રૂપિયા આપ્યા. ઠેઠ બંગાળથી અભય આશ્રમના કાર્યકર્તાઓએ શાકભાજીનો ત્યાગ કરી પોતાની નાનકડી રકમ મોકલી. જે ચોર્યાસી તાલુકાના ખેડૂતોએ ખુશીથી વધારો આપી દીધો એમ કહીને તેમનું અપમાન

૧૭૯