આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


શ્રી. વલ્લભભાઈએ પોતાની અનેક સચોટ ઉપમાઓમાંની એક વાપરીને એ ગામને ઉચિત સંદેશ આપ્યો :

“બે જાતની માખી હોય છે. એક માખી દૂર જંગલમાં જઈ ફૂલોમાંથી રસ લઈ મધ બનાવે છે. બીજી માખી ગંદા ઉપર જ બેસે છે, અને ગંદકી ફેલાવે છે. એક માખી જગતને મધ આપે છે, ત્યારે બીજી ચેપ ફેલાવે છે. આ ચેપી માખીઓ તમારે ત્યાં કામ કરી રહી છે એમ સાંભળ્યું છે. એ માખીને તમારી પાસે આવવા દેશો જ નહિં. ગંદકી અને મેલ જ તમારામાં ન રાખો કે તમારી પાસે એ માખીઓ આવે.”

લોકોએ ખાતરી આપી કે માખીની અસર કશી નથી થવાની. એક વિધવા બહેને સભામાં ઉભા થઈ કહ્યું : ‘અમે નહિ ડરીએ, અમે તો તમારા આશ્રમમાં આવી રેંટિયો કાંતશું.’ ગામના યુવકસંઘે અનેક ઉઘરાણાં કરેલાં હતાં. ૪પ૦ રૂપિયા આપવામાં આવ્યા. એ જ ગામે અગાઉ રૂપિયા ૨૦૦ તો આપ્યા જ હતા.

પેલા રેસિડંટ મૅજિસ્ટ્રેટ પણ આળસુ બેઠા નહોતા. તેમની આગળ લઈ જવાને નાના મોટા ભોગો પોલીસની પાસે હતા જ હતા. જૂન માસમાં ત્રણ સ્વયંસેવકો એવા સંજોગોમાં આ મૅજિસ્ટ્રેટની સામે ઊભા કરવામાં આવ્યા કે સૌ કોઈને હસવું આવ્યા વિના ન રહે. કલેક્ટર સાહેબ બારડોલી આવ્યા હતા, સરકારી બંગલામાં મુકામ કરેલો. બારડોલી થાણાના એક સ્વયંસેવકને કલેક્ટર સાહેબની હિલચાલની દેખરેખ રાખવાની હતી, એટલે આ બંગલાથી થોડે છેટે આવેલા રસ્તાની સામી બાજુએ તે બેઠો હતો. કલેક્ટરને આ ન ગમ્યું. તેને ત્યાંથી ખસેડવાનો પોલીસને હુકમ કર્યો. પોલીસની પાસે પેલાએ લેખી હુકમ માગ્યો. પોલીસે કલેક્ટરને ખબર આપી, તેણે પેલાને બોલાવી મંગાવ્યો અને ફોજદારને સોંપ્યો. તેને ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યો. દરમ્યાન તેની જગ્યા વિદ્યાપીઠના એક વિદ્યાર્થી દિનકરરાવે લીધી હતી, અને બીજો સ્વયંસેવક પ્રભુભાઈ સૂચના લેવા ત્યાં ઊભો હતો. આ બન્નેને પકડવામાં આવ્યા. એટલે પહેલા છગનલાલ જેમને ચેતવણી આપીને રજા આપવામાં આવી હતી તેમણે દિનકરરાવની જગ્યા લીધી, એટલે તેને પણ

૧૮૨