આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨ મું
‘બારડોલી દિન’
 

 હતા. પણ પેલાઓએ બારી આગળ આવીને કાલાવાલા કર્યા કે બારણાં ઉઘાડો, ચા પીને ચાલ્યા જશું. મેં કહ્યું, તમારો વિશ્વાસ કેમ પડે ? પેલાઓએ ફરીફરીને ખાતરી આપી કે અમે કશું જપ્ત ન કરીએ, અમારે માત્ર ચા પીવી છે ! પછી શું થાય ? બારણાં ઉઘાડ્યાં, ચા પાઈ અને એમને વિદાય કર્યા.’ આ માણસ વાત કરી રહે ત્યાં તો બીજો એક માણસ આવ્યો અને આવેશથી કહેવા લાગ્યો : ‘ ના, વલ્લભભાઈસાહેબ, આવું ન થવા દેવું જોઈએ. એણે પેલાને ચા પાઈ તે કારકુનોએ ખાતરી આપી તેથી નહોતી પાઈ, પણ મામલતદારથી ડરીને પાઈ અને અમારે તો ભલભલાના ડર કાઢી નાંખતાં શીખવાનું છે.’ વલ્લભભાઈ બધું સમજી ગયા, ખડખડાટ હસી પડ્યા અને પછી આ પ્રમાણે સમાધાન કર્યું : ‘જુઓ ભાઈ, કાલાવાલા કરે તો તો ચા પાયા વિના ન ચાલે. પણ જોજો; એ લોકોથી સાવધ રહીને ચાલવું સારું. ધારો કે તમે ચા પીઓ અને દૂધમાં માખી કે એવું કાંઈક હોય, અને ભૂલમાં તમારાથી ચામાં એવું દૂધ રેડાઈ જાય અને પેલાઓને કંઈક થઈ જાય તો તો દોષ તમારા ઉપર જ આવે ને ? એટલે ચેતીને ચાલવું સારું.’ સૌ ખડખડાટ હસી પડ્યા, અને ઘડીકમાં આ કિસ્સો ભુલાઈ ગયો. સરદારની પકડાવાની વાતો તો સંભળાતી જ હતી. કોકે પૂછ્યું: ‘સાહેબ, તમારી પકડાવાની વાત સંભળાય છે, સાચું ?’ સરદાર બોલ્યા : ‘નારે, સાંભળ્યાં કરોની ! મને શા સારુ પકડે ? બિચારી ભેંસનું લિલામ કરે તો તેના પાંચ રૂપિયા ઊપજે, મારું લિલામ કરે તો કશુંયે ના ઊપજે.’

‘બારડોલી દિન’ આવ્યો ત્યારે લડતનું રહસ્ય તે લોકાની રગેરગમાં ઊતરી ગયું હતું, અને સૌ આકરી તાવણીને માટે તૈયાર થઈ રહ્યા હતા. સરદારે ‘બારડોલી દિન’ને પ્રસંગે કહ્યું : ‘આજે હવે કુદરતમાં હવા બદલાતી ચાલી છે. આ પહેલાં ચિત્રવૈશાખનો સખત તાપ હતો, ખૂબ ઉકળાટ હતો, છેવટે ગાજવીજ થઈ કડાકા થયા, અને પરિણામે અમૃતવૃષ્ટિ થવા લાગી છે. સરકારે પણ ખૂબ તાપ કર્યો, પ્રજાને અત્યંત ઉકળાટ કરાવ્યો. પણ કુદરતની પેઠે તેમાંથી અમૃતને બદલે ઝેર વરસે તોયે એ ઝેરને અમૃત ગણી

૧૮૫