આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪ મું.
ન્યાયના ભવાડા
 


નહિ. મૅજિસ્ટ્રેટ પોતાની સમક્ષ રજૂ થયેલા પુરાવામાં સાચું ખોટું કેટલું છે તે તો બીજા મુકદ્દમાની જેમ આમાં પણ તપાસતાં ચૂક્યા એટલું જ નહિ પણ કાયદાનું સ્પષ્ટ અજ્ઞાન પણ તેમણે પ્રકટ કર્યું.

કલેક્ટરના બંગલાના કમ્પાઉંડના દરવાજાની સામેના રસ્તા ઉપર બેસવા માટે બેબે માસની આસાન કેદની સજા ત્રણ વિદ્યાર્થીઓ ઉપર કેવા ઉમદા પુરાવાને બળે ફરમાવવામાં આવી હતી એ તો હું વીગતવાર પાછલા એક પ્રકરણમાં આપી ચૂક્યો છું. એ હાસ્યજનક કેસની વધારે ચર્ચા અનાવશ્યક છે.

વાંકાનેરના ૧૯ માણસો ઉપર હંગામો કરવાના તથા ગેરકાયદે અટકાયતના આરોપસર જે મુકદ્દમો ચાલ્યો એ જરા વીગતવાર વિચારવાજેવો છે. મૅજિસ્ટ્રેટના ચુકાદામાં દર્શાવ્યા પ્રમાણે વીગતો એવી છે કે કેટલાક રેવન્યુ પટાવાળા પેાલીસ પહેરા સાથે કેટલાંક ગાડાં હાંકતા વાંકાનેરને ચોરે રાતે ૮ વાગ્યે આવી પહોંચ્યા. “રાતનો વખત હતો તેથી ચોરાથી દસ કદમ દૂર રસ્તા ઉપર તેઓએ ગાડાં ઊભાં રાખ્યાં અને ત્રણ પટાવાળા વેઠિયાને બોલાવવા તથા ફાનસ લેવા અંદર ગયા. વેઠિયો ગાડાં હાંકી જતો હતો એટલામાં ૧પ૦ માણસોનાં ટોળાએ તે આંતર્યાં, અને ટોળામાંના એક માણસે બળદની નાથ પકડી ગાડાં ઊભાં રાખ્યાં. ફાનસ સાથે વેઠિયાને ટાળામાં ઘસડી જવામાં આવ્યો એટલામાં તલાટી એ સ્થળે જઈ પહોંચ્યો. પોલીસ પાસે બંદૂકો નહોતી, પણ ટોળાને વિખેરી નાંખવાની ખાતર ફરિયાદીએ પોલીસને બંદૂક સજ્જ કરવા કહ્યું. બંદૂકનું નામ સાંભળીને આરોપીઓ તથા બીજા વિખરાઈ ગયા અને થોડે દૂર જઈ ઊભા. તેઓ ફાનસ સાથે વેઠિયાને પણ લઈ ગયા. પટાવાળા તથા પોલીસે પોલીસ પટેલ પાસે જઈ બધી બીના કહી. પટેલ તેમની સાથે ગુનાને સ્થળે તો ન ગયો, પણ તેણે પટાવાળાઓને બીજું ફાનસ આપ્યું અને ગાડાં આગળ ચાલ્યાં.” આટલી હકીકત ઉપર ૧૯ માણસોને ટંટાફિસાદ માટે પકડવામાં આવ્યા.

૧૯૯