આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪ મું
ન્યાયના ભવાડા
 

 એક મુકદ્દમામાં ભવાન હીરા નામના સરળ અને ગરીબ ગાય જેવા ખેડૂત ઉપર સરકારી અમલદાર ઉપર હુમલો કરવાના તથા સાપરાધ બળ વાપરવાના ગુનાનું ૧૮૬ તથા ૩૫૩ એ બે કલમો મુજબનું તહોમત મૂકવામાં આવ્યું હતું. ભવાનની સ્ત્રીએ તો પોલીસ અમલદારને કહ્યાં જ કર્યું કે જપ્તીઅમલદાર આવે ત્યારે બારણાં બંધ કરી દેવાં એ જો ગુનો ગણાતો હોય તો એ ગુનો તો મેં કર્યો છે, મારો ધણી તો ગુનાને સ્થળે હાજર પણ નહોતો. આરોપીએ તહોમત નાકબૂલ કર્યું. આ એક જ મુકદ્દમો એવો હતો કે જેમાં ફરિયાદપક્ષ તરફથી રજૂ થયેલી હકીકત બધી જ સાચી હોય તો મૅજિસ્ટ્રેટના ચુકાદા સામે બહુ વાંધો લઈ ન શકાય. પરંતુ આરોપીની સ્ત્રી જ્યારે આખા તહોમતનો ભાર પોતાની ઉપર વહોરી લેતી હતી ત્યારે તેને ઇરાદાપૂર્વક સાક્ષી તરીકે ન બોલાવી એટલે પુરાવો બિલકુલ અધૂરો હતો એ તો સ્પષ્ટ જ છે.

એક મુકદ્દમામાં ગોપાળજી નામના સ્વયંસેવક ઉપર ખાતેદારના ઘરની દીવાલ ઉપરથી ખાલસા નોટિસ ઉખેડી નાંખવાના તહોમત બદલ કામ ચાલ્યું હતું. આરોપીએ પોતાની કેફિયતમાં જણાવ્યું કે નોટિસ દીવાલ ઉપર કાંટા વડે લગાડવામાં આવી હતી તે પવનથી ઊડી ન જાય એટલા માટે જ તેણે ત્યાંથી લઈને ખાતેદાર તરફથી પોતાની પાસે રાખી હતી. પરંતુ આ પ્રમાણે નોટિસ ખસેડવાની ક્રિયાને વિદ્વાન મૅજિસ્ટ્રેટે પીનલ કોડની ૧૭૩ મી કલમ મુજબનો ગુનો ગણ્યો અને આરોપીને એક માસની આસાન કેદની સજા કરી !

આમ ફરિયાદો માંડવામાં તથા સજાઓ કરાવવામાં પોલીસ અને ન્યાયાધીશ બંને કેવા ભાન ભૂલ્યા હતા તે આ મુકદ્દમામાં સ્પષ્ટ દેખાઈ આવે છે. માત્ર એક જ મુકદ્દમામાં મૅજિસ્ટ્રેટે પુરાવાના સંપૂર્ણ અભાવના કારણસર એક ખેડૂત ઉપર ફરિયાદ ચલાવવાની ના પાડી અને બે મહિના પછી મુકદ્દમો પોલીસ પાસે પાછો ખેંચી લેવડાવ્યો. પણ આ મૅજિસ્ટ્રેટ તો ઉપર વર્ણવેલા મકદ્દમા ચલાવનાર મૅજિસ્ટ્રેટથી જુદા અને ઓછી સત્તાવાળા હતા. આ

૨૦૧