આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 

 મુકદ્દમો તે પુણ્યપ્રકોપથી આખી અદાલતને ધણધણાવી મૂકનાર પેલા રાયમના બહાદૂર ખેડૂતનો, જેની વીગત હું ઓગણીસમા પ્રકરણમાં આપી ગયો છું.

એ ભોળા પણ સાચા ખેડૂતથી ફોજદારનું અસત્ય ન સહન થયું એ આપણે જોઈ ગયા, પણ એને તો પોતાના સાચાની વધારે સાબિતી આપવી હતી એટલે એણે પોતાને લેખી હુકમ નહોતો મળ્યો તે સાબિત કરવા બેત્રણ સાક્ષીઓ રજૂ કર્યા. મૅજિસ્ટ્રેટ પૂરેપૂરા ગૂંચાયા. ખેડૂતની વાત સાચી હતી એ તે જાણતા હતા, એટલે તેને સજા શી રીતે થાય ? પણ જો તે ખેડૂતને છોડી મૂકે તો અદાલતમાં જૂઠું બોલવાના ગુના માટે ફોજદાર ઉપર કામ ચલાવવું જોઈએ. છેવટે પોલીસની પાસે કેસ ખેંચાવી લેવડાવી તેમણે ગૂંચ ઉકેલી.

આ બધા મુકદ્દમા બહાદુર ખેડૂતોનો જુસ્સો તોડી પાડવાના હેતુથી ઊભા કરવામાં આવ્યા હતા. પણ તેનું પરિણામ ઊલટું જ આવ્યું. છેલ્લા મુકદ્દમામાં જેમ ખેડૂત મૅજિસ્ટ્રેટ સમક્ષ પોતાનો પુણ્યપ્રકોપ દાબી શક્યો નહિ, તેમ જ બીજા બધા મુકદ્દમાઓમાં જેમને સજા થઈ હતી તે બધા જાણતા જ હતા કે અમને સજા ખોટી રીતે થયેલી છે અને અમારી નિર્દોષતા તથા શુદ્ધ તપશ્ચર્યાથી લડતને લાભ જ થવાનો છે. તેઓ બધા જ બહુ આનંદપૂર્વક જેલમાં જતા હતા અને ગામના લોકો પોતાના વીરોને અભિમાનથી વદાય આપતા હતા.