આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 આશીર્વાદ લીધા પછી ડગે ? જેલમાંથી ભવાન નવું જ તેજ લઈને નીકળ્યો હતો એમ સૌ કોઈ કહેતું હતું.

અને અહીં જ બીજી બહેનોનું સ્મરણ કરી લઉં ? એ બહેનોની લડતને અંગે નોંધ લેવાની કદાચ ન હોય, પણ બારડોલીની બહેનોની કેવી ભક્તિભાવના હતી અને એ ભક્તિભાવના વલ્લભભાઈને કેટલી કામ આવી તે બતાવવા પૂરતી એ નોંધ લેવાની જરૂર છે. લડતના આખરના દિવસમાં એક મરણને કાંઠે બેઠેલી યુવાન સ્ત્રી ગાંધીજીના દર્શનને માટે ઝંખતી હતી. તેના ગામમાં ગાંધીજી ગયા, અનાયાસે તેની પાસના ઘરમાં રેંટિયાનું પ્રદર્શન હતું એટલે ગાંધીજી તેની પાસે ગયા. ગાંધીજીને ઊઠીને હાર પહેરાવવા જેટલી તેનામાં શક્તિ નહોતી, ગાંધીજી વાંકા વળ્યા. તેણે હાર પહેરાવ્યો, ગજવામાંથી પાંચ રૂપિયાની નોટ કાઢી ભેટ ધરી, ગાંધીજીને કુંકુમનો ચાંલ્લો કર્યો અને આશીર્વાદ માગ્યા. ગાંધીજીએ કહ્યું, ‘શાંતિ રાખજે.’ બીજે જ દિવસે, ‘મને ખાદીનાં કપડાં પહેરાવીને વળાવજો’ કહીને બિચારીએ કાયમની વદાય લીધી. કોને ખબર હતી કે એ ગાંધીજીનાં દર્શનની વાટ જોઈ ને જ બેસી રહી હતી !

બીજી બહેન પેલા અગિયાર વીરોમાંના ભાઈ રામભાઈની પુત્રી. રામભાઈ છૂટીને બારડોલી આવવાના તેને આવકાર આપવા પુત્રી ન જાય તો કોણ જાય ? હરખમાં ને હરખમાં તે આવી, તરત જ માંદી પડી, આંતરડાંની તીવ્ર વેદના શરૂ થઈ અને મધરાતે તો તેની આશા છોડાઈ. રાત્રે ત્રણેક વાગે મરણની સમીપ પહોંચેલી એ બહેને માગણી કરી: ‘ગાંધીજીને બોલાવોની, મારે એમનાં દર્શન કરી લેવાં છે.’ આટઆટલાં દુ:ખમાં એ પિતાને મળી ન શકવાની, માતા પોતાની પાસે નથી, એ વસ્તુઓનું એને સ્મરણ નહોતું, એણે તો ગાંધીજીનું સ્મરણ કર્યું. સુભાગ્યે ગાંધીજી બારડોલીમાં જ હતા. ગાંધીજી ત્યાં પહોંચ્યા. બહેન મોતીના પગમાં કે હાથમાં તાકાત નહોતી, આંખે પણ અંધારાં આવતાં હતાં, એટલે બોલી, ‘મારી આંખે નથી દેખાતું, પણ ગાંધીજીના અવાજથી ગાંધીજીને ઓળખું છું. મારા બંને હાથ કોઈ જોડી

૨૦૬