આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨ જું
ભક્ષણનીતિ
 


કમિટીની ભલામણ પ્રમાણે કાયદો થાય ત્યાં સુધી તો ધીરજ રાખો, ત્યાં સુધી રિવિઝન કરવાં માકૂફ રાખો, સરકાર કાયદો કરતાં ઢીલ કરે તેથી ગરીબ ખેડૂતોને નાહકનો માર ન મારો એમ સૂચવવામાં આવ્યું, ત્યારે સરકારના મહેસૂલમંત્રીએ કહ્યું : ‘શું કરીએ ? અમારી તિજોરી ખૂટી ગઈ છે. ૨૫ તાલુકામાં ૧૦ાા લાખનો વધારો થયા છે તે મૂકી દેવામાં આવે તો સરકારની શી દશા થાય ?’ આમ એક તરફથી નવા થનારા કાયદાને નકામો કરવાની પેરવી થઈ રહી, બીજી તરફથી એક પછી એક તમામ તાલુકાઓનું કાટલું કઢાતું ગયું !

આજના જમાનાના મહેસૂલમંત્રીના આ ઉદ્‌ગારો સાથે અગાઉના સરકારી અમલદારોના ઉદ્‌ગારો સરખાવીએ. ફ્રેઝર ટાઇલરે ૧૮૪૧માં કહ્યું હતું : ‘મહેસૂલઆકરણી એ ખેડૂતના કલ્યાણનો વિષય હોવાથી એ આકારણી કરતાં આપણે એ વિચારવું જોઈએ કે સરકારે ખેડૂતની પાસે કેટલું રહેવા દેવું જોઈએ, નહિ કે ખેડૂત સરકારને કેટલું આપી શકે છે.’ ૧૮૬૪ માં મુંબઈના ગવર્નર સર બાર્ટલ ફ્રીઅરે કહ્યું હતું : ‘સરકારે સાફ ઠરાવ્યું છે કે સરકારની તિજોરીની શી સ્થિતિ છે. તેનો વિચાર તો ગૌણ છે, ખરો વિચાર તો લોકોના કલ્યાણનો છે, મહેસૂલ વધાર્યા ઘટાડ્યાથી ખેડૂતની શી સ્થિતિ થશે તેનો છે.’

ખેડૂતના લોહીનું છેલ્લું ટીપું ચૂસવાની આ નીતિ જ એવી છે કે જેની સામે કર ન ભરવાના સત્યાગ્રહની એક મોટી લડત લડાવી જોઈએ. પણ શ્રી. વલ્લભભાઈ પટેલ પાસે સને ૧૯૨૮ માં એ મોટી લડતનો વિચાર નહોતો, એમને તો એક નાનકડા પ્રશ્ન ઉપર લડત લડી લેવી હતી. પણ એનો વિચાર આવતા પ્રકરણમાં કરશું.