આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


અંદર આવી શકે છે અને વિનીત પક્ષના સિદ્ધાંતોથી એ જરાયે અસંગત નથી. સર તેજબહાદુર સપ્રુએ કહ્યું : “સરકારની પ્રતિષ્ઠા - ખાતર મને તો આવશ્યક જણાય છે કે મહેસૂલના વધારાના સંબંધમાં બારડોલીના લોકોની જે ફરિયાદ છે તેને વિષે જ નહિ પણ મહેસૂલ વસૂલ કરવા માટે તથા પરિસ્થિતિને પહોંચી વળવા માટે લેવામાં આવેલાં પગલાંના સંબંધમાં જે આક્ષેપ થાય છે તે વિષે પણ તપાસ કરવા એક સ્વતંત્ર સમિતિ નિમાવી જોઈએ.”

વિદુષી બેસંટને પણ બારડોલી સત્યાગ્રહની ન્યાય્યતા વિષે કશી શંકા જણાઈ નહિ, અને અનેકવાર તેમણે લડતને ટેકો આપ્યો હતો.

આખા દેશમાં હિંદી વર્તમાનપત્રો તો સત્યાગ્રહીઓની તરફેણમાં જ હતાં. ઍંગ્લો-ઇંડિયન પત્રોમાં મુંબઈના અર્ધસરકારી પત્રના અપવાદ સિવાય બહારનાં ઘણાંખરાં વર્તમાનપત્રો તટસ્થ અથવા મૌન હતાં. પરંતુ નોકરશાહીનો હમેશાં પક્ષ કરવાની ઍંગ્લો-ઇંડિયન પત્રોની બેહૂદી પ્રથા આ વખતે અલ્લાહાબાદના ‘પાયેનિયરે’ અને કલકત્તાના ‘સ્ટૅટ્સમૅન’ પત્રે તોડી અને બારડોલી સત્યાગ્રહને બંનેએ ટેકો આપ્યો. ‘પાયોનિયરે’ લખ્યું : “મુખ્ય મુદ્દો કબૂલ કરવો જ જોઈએ અને તે વિનાવિલંબે કબૂલ કરવો જોઈએ કે બારડોલીની લડતનો કોઈ પણ નિષ્પક્ષ અને જેની પાસે સ્પષ્ટ હકીકતો આવી ગઈ હોય તેવો નિરીક્ષક એ નિર્ણય ઉપર આવ્યા વિના રહી શકે એમ છે જ નહિ કે ન્યાય ખેડૂતોના પક્ષમાં છે, અને નિષ્પક્ષ ન્યાયસમિતિ આગળ વધારેલા મહેસૂલની તપાસ કરાવવાની તેમની માગણી ન્યાયી અને વાજબી છે.”