આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮ મું
ઊંઘમાંથી જાગ્યા
 


પણ રાવણ બાર મહિના સુધી એક વાડીમાં પુરેલી અબળાને વશ નહોતો કરી શક્યો, અને એનું રાજ્ય રોળાઈ ગયું હતું. અહીં તો એંશી હજાર સત્યાગ્રહીઓ છે, તેમની ટેક છોડાવી શકનાર કોણ છે ?’ જ્યાં શ્રી. વલ્લભભાઈ જવાના હોય ત્યાં લોકો ઘેલા થઈ તેમને સાંભળવા જતા હતા શ્રીમતી શારદાબહેને તેમને વિષે બોલતાં કહેલું : ‘તેમનો એકેએક બોલ અંતરના ઊંડાણમાંથી જ આવતો લાગે છે. વલભભાઈ ઈશ્વરી પ્રેરણાથી બોલે છે. પરિસ્થિતિ તેમને વાચા આપે છે, અને સાંભળનારને ઉચ્ચ ભૂમિકામાં લઈ જાય છે.’ આખા ગુજરાતમાં એમને વિષે એવી સ્થિતિ થઈ પડી હતી કે

सर्वे वांछन्ति तं जनाः
वेणुं मधुरनिध्वानं बने वनमृगा इव ।

વનમાં વનમૃગો મધુરી વેણુ તરફ આકર્ષાય તેમ સૌ તેમની વાંછના કરતું હતું. આવા માણસના પ્રતિક્ષણ વધતા જતા પ્રભાવે સરકારને બહાવરી બનાવી મૂકી.

લોકજાગૃતિના આ ચડતા પૂરની સાથે શ્રી. મુનશીએ નામદાર ગવર્નરને બારડોલીનો તાદૃશ ચિતાર આપનારો જે પત્ર લખ્યો તેની ખૂબ અસર પડી અને તેણે ઘણાઓને તેમની ઘોર નિદ્રામાંથી જગાડ્યા. આમ જાગનારમાં એક ‘ટાઈમ્સ ઑફ ઇંડિયા’ હતું. શ્રી. મુનશીએ પ્રકટ કરેલી હકીકત કડવી ઝેર જેવી હતી તેને કંઈકે ભાવતી કરી શકાય તો તે કરવા માટે આ પત્રે પોતાના એક ખાસ ખબરપત્રીને બારડોલી મોકલ્યો. એ બારડોલીમાં એક દિવસ રહ્યો અને બધી હકીકતો મેળવી ગયો. તેને મળેલી હકીકત શ્રી. મુનશીની હકીકતોને મોટે ભાગે ટેકો આપનારી હતી અને ઊલટી વધારે કડવી લાગે એવી હતી.

કોઈ પાપીને પુણ્ય ખૂંચે, સ્વછંદીને સંયમ ખૂંચે, અવ્યવસ્થિતને વ્યવસ્થા ખૂંચે, સ્વાર્થીને ત્યાગ ખૂંચે, તેમ ‘ટાઈમ્સ’ના આ ખબરપત્રીને પોતાની ટેકને માટે ખુવાર થવા બેઠેલા ખેડૂતોનો નિશ્ચય ખૂંચ્યો, પડ્યો બાલ ઉઠાવી લેનારા સ્વયંસેવકોની શિસ્ત અને તાલીમ ખૂંચી, પોતાના સરદારની આંખમાંનો પ્રેમ જોઈ ઘેલી

૨૨૭