આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯ મું
વિકરાળ કાળિકા
 


ચળવળને ચગદી નાંખવા પડકાર કરી શકતા હતા. પણ પોતાની શક્તિનું જેટલું તેમને જ્ઞાન હતું તેટલી જ તેમનામાં નમ્રતા હતી એટલે તેમણે તો છાપાંજોગી એક ટૂંકી યાદી જ બહાર પાડી. તેમાં પોતાની માગણી ફરી સ્પષ્ટ કરીને તેમણે સંતોષ માન્યો, અને લોકોને ચેતવણી આપી કે પોકળ શબ્દોથી કોઈએ દોરવાઈ ન જવું, અથવા ભાષણમાંની ધમકીઓથી અસ્વસ્થ ન થવું. યાદીમાં તેમણે જણાવ્યું :

“મારે કબૂલ કરવું જોઈએ કે નામદાર ગવર્નરના ધમકીભરેલા આવા ભાષણની મેં અપેક્ષા નહોતી રાખી. પણ એ ધમકીઓને બાજુએ રાખીને એ ભાષણમાં જાણ્યે કે અજાણ્યે જે ગોટાળો ઉત્પન્ન કરવાનો ઇરાદો જણાય છે તે હું દૂર કરવા માગું છું. ગવર્નરસાહેબના કહેવાનો સાર એ છે કે જો લડતનો હેતુ સવિનય ભંગ હોય તો સરકાર પાસે જેટલું બળ છે તેટલા

બળથી પોતે તેનો મુકાબલો કરવા ઇચ્છે છે. પરંતુ જો ‘પ્રશ્ન માત્ર નવી આકારણીના ન્યાયીપણા કે અન્યાયીપણાનો હોય તો’ ‘પૂરું મહેસૂલ સરકારને ભરી દેવામાં આવે અને ચાલુ લડત બંધ થાય ત્યાર પછી આખા કેસની તેઓ પોતાના જાહેરનામામાં જેની રૂપરેખા આપી છે એવી સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર તપાસ કરાવવા તૈયાર છે.’ હું એ દર્શાવવા ઈચ્છું છું કે લડતનો હેતુ સવિનય ભંગ કરવાનો નહોતો અને નથી જ. હું જાણું છું કે સવિનય ભંગના કાયદેસરપણા વિષે તથા ડહાપણ વિષે બધા પક્ષનો એક અભિપ્રાય નથી. એ બાબત મારો પોતાનો અભિપ્રાય દૃઢ છે. પરંતુ બારડોલીના લોકો સવિનય ભંગ કરવાનો હક સ્થાપિત કરવાની લડત લડતા નથી. તેઓ તો સવિનય ભંગની રીતે — અથવા તેઓએ સ્વીકારેલી રીતને જે નામ આપવામાં આવે તે રીતે – પોતા ઉપર થયેલો મહેસૂલનો વધારો સરકાર પાસે રદ કરાવવા, અથવા થયેલો વધારો ખોટી રીતે થયેલો સરકારને ન લાગતો હોય તો સત્ય શોધી કાઢવા માટે નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ કરાવવા માટે લડે છે. એટલે પ્રશ્ન તો કેવળ નવી આકારણીના ન્યાયીપણાને કે અન્યાયીપણાનો જ છે. અને સરકાર ને ‘પ્રશ્નની સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર તપાસ’ કરવા માગતી હોય તો તેઓ પોતે જ જે વસ્તુ સ્વીકારે છે તેનું તેમાંથી સ્પષ્ટ રીતે ફલિત થતું પરિણામ તેઓએ સ્વીકારવું જ જોઈએ. એટલે કે જે વધારા માટે તકરાર છે તે ભરાવી દેવાનો આગ્રહ ન રાખવો જોઈએ અને લડત શરૂ થઈ તે પહેલાં જે સ્થિતિ હતી તે સ્થિતિમાં લોકોને મૂકવા જોઈએ. વળી ‘સંપૂર્ણ,

૨૩૯