આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 રિપોર્ટની નકલો તો છેક ૧૯૨૮ ના માર્ચ મહિના સુધી પ્રસિદ્ધ થઈ જ નહોતી. આ રિપોર્ટ જ્યારે સરકાર પાસે કઢાવવામાં આવ્યો ત્યારે ખબર પડી કે શા કારણે સરકારે એ જાણીબૂજીને દાબી રાખ્યો હશે. આપણે જોઈ ગયા છીએ કે શ્રી. જયકરે પોતાનો રિપોર્ટ મિ. ઍંડર્સનને જોવાને માટે મોકલ્યો હતો અને તેને તેમણે લગભગ આખો ફરી લખી કાઢ્યો હતો. છતાં પણ એ રિપોર્ટના ઉપર મિ. ઍંડર્સને ધરાઈને ટીકા કરી, અને તે રિપોર્ટના મુખ્ય ભાગના ટુકડેટુકડા કરી નાંખ્યા. આ રહ્યા મિ. ઍંડર્સનના સપાટા :

“શ્રી. જયકરે મહેસૂલવધારાને માટે જે સૂચના કરી છે તે ઉપર આવીએ. હું દિલગીર છું કે એમણે જમીનના પાકની કિંમત કેટલી વધતી જાય છે એના ઉપર જ બધો આધાર રાખ્યો છે. તાલુકાની સામાન્ય સ્થિતિનો સાર આપતાં પ૭મા ફકરામાં પણ જમીનની કિંમત અને ગણેાતમાં થયેલા વધારાનો માત્ર એક જ દાખલો આપે છે, અને કહે છે કે ભાવો એટલા બધા વધી ગયા છે કે ગણોતના પ્રમાણમાં આકારણી બહુ ઓછી થઈ છે. આને માટે કશો પાયો નથી, અને પાયા વિના ઈમારત શી રીતે ચણાય ? આવા સેટલમેંટ રિપોર્ટ ઘડાતા હશે ? આ પછી બે ફકરા ખાસા એ સિદ્ધ કરવાને માટે એમણે ભર્યા છે કે સરકાર જો પૈસાને બદલે પાક લઈને જ મહેસૂલ ઉઘરાવતી હોત તો મહેસૂલની રકમ કેટલી બધી વધી જાત ― જાણે આમાં કાંઈ નવું કહેવાનું હોય ના ! તે જણાવે છે કે તાલુકાની કુલ ઉત્પન્નમાં લગભગ ૧૫ લાખ જેટલો વધારો થયો છે, અને એ જણાવ્યા પછી તેમની બુદ્ધિમાં ઉદય થતો જણાય છે કે એમ કહેવાનો કશો અર્થ નથી, કારણ એવી રીતે ખેતીનું ખર્ચ પણ ૧૫ લાખ વધ્યું હોય તો વધારે મહેસૂલ લેવાનો કોઈ આધાર રહેતો નથી, વારુ, પણ ખેતીનું ખર્ચ ૧૫ નહિ પણ ૧૭ લાખ વધ્યું હોત તો તો મહેસૂલ ઓછું કરવું જોઈએ, વધારવાની તો વાત જ બાજુએ રહી ! હવે શ્રી. જયકર કેવી રીતે બતાવી શકશે કે ખેતીના ઉત્પન્નમાં જે વધારો થયો છે તેના કરતાં ખેતીના ખર્ચમાં ઘટાડો થયો છે કે વધારો થયો છે. આને વિષે તો માત્ર તેઓ એક લીટી લખે છે : ‘આ વાત પણ ધ્યાનમાં લેવી જોઇએ ખરી.’ આમ તેઓ કિલ્લાનો મુખ્ય દરવાજો જ ખુલ્લો રાખે છે. એટલે કોઈને હુમલો કરવો હોય તો ઘડીકમાં તેના કાચા કિલ્લા ઉપર તૂટી પડી તેને તોડી પાડી શકે એમ છે, કારણ ખેતીખર્ચ ખેતીના ઉત્પન્ન કરતાં વધ્યું છે એમ કોઈ બતાવી દે એટલે શ્રી. જયકર પાસે કશો

૨૦