આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રળિયામણી ઘડી
 


થાય છે કે સાચો ‘ગાંધીરસ’ પીનારા તો આ જ લોકો છે, બીજો નામનાં છે. આવાઓની આગળ ગાંધીજીને કે વલ્લભભાઈને ભાષણો કરવાની પણ શેની જરૂર પડે ? તેઓ તો કરવાનું કરી રહ્યાં છે.

જેલી ભાઈઓ

આ પાવક દૃશ્યોમાં વૃદ્ધિ કરનારાં દર્શન જેલમાંથી છુટી આવેલા વીરોનાં હતાં. બારડોલીની લડતે જેમ જેલ બહાર રહેનારાઓની ઠીકઠીક કસોટી કરી છે તેમ જેલમાં જઈને બેઠેલાઓની પણ સારી કસોટી કરી છે. એ કસોટીમાંથી પાર ઊતરીને આવેલા, ઘસાયેલા શરીર પણ ઉજ્જવળ આત્મા સાથે આવેલા એ વીરોનાં દર્શન પાવક હતાં. બધા સત્યાગ્રહીઓમાંથી એકેના ઉપર સરકારના જેલર અને જેલ સુપરિન્ટેન્ડન્ટે કશી દયા કે ભલમનસાઈ રાખી હોય એમ ન સાંભળ્યું, પણ વિટંબણાની વાતો કરતાં તેમનાં મોં ઉપર તો સ્મિત સિવાય બીજું કશુંય નહિ. વાંકાનેરના ખેડૂતવીરોએ તો અગાઉ કદી જેલ જોયેલી નહિ. તેમાંના ઘણાખરાને કઠણમાં કઠણ મજૂરી આપવામાં આવી હતી, —ચક્કીમાં ૩૭ શેર રોજ દળવાનું, પંપ ચલાવવાના વગેરે — જેલર ખાસ ભલો થાય તો કોઈવાર ખરાબમાં ખરાબ ઘંટી પસંદ કરીને તે ઉપર દળાવતો, તોપણ જરાય આનાકાની વિના તેઓ પોતાનું કામ બજાવી આવ્યા. એ લોકોને જોઈને કોને ઉત્સાહ અને આશા ન મળે ? રાયમનો એક ગરીબ ગાય જેવો ખેડૂત જરાય પુરાવા વિના જેલમાં ગયેલો. તેના સ્વાગતને માટે તેની વીર પત્ની આવી હતી. પત્નીને ભય હતો કે કદાચ પોતાનો ભલો, ગરીબડો પતિ, જેલના ત્રાસ નીચે ભાંગી પડશે, પણ તે જેલની જહેમત વેઠીને સાજોસમો પાછો આવ્યો તેથી તે બહેનના આનંદનો પાર નહોતો. ગાંધીજીને પ્રણામ કરતાં કરતાં તે બહેન કહે: ‘છ મહિના તો ની રે’વા પામ્યા. તણ જ મહિનામાં આવી ગયા.’ એ ખેડૂતને લેવાને તેનું આખું ગામ સ્ટેશને ઊલટ્યું હતું. ઘણાઓને મનમાં થયું હશે કે આપણો આ ગરીબડો ભાઈબંધ શી રીતે

૨૬૯