આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


જેલમાં બીજા કેદીઓનાં જીવન વિષે વાત કરતાં તેમણે કંપારી છૂટે એવી હકીકતો કહી. કેદીઓને પૈસા ખરચીને ગમે તે વ્યસન પૂરું પડી શકે છે, તેમનાં અર્ધા પૈસા ખાઈને બીડી, મીઠાઈ, જે જોઈએ તે પૂરું પાડનારાં સિપાઈસફરાં પડેલાં છે, અને બીડીના વ્યસનની ખાતર અધમતાની હદ ઓળંગતા કેદીઓ પણ પડેલા છે. ગુનાઓ માટે કેદમાં જનારા ચોરી વગેરેના ગુનાઓ જેલમાં ચાલુ રાખે છે, કેટલાક નવા ગુના શીખે છે, અને વારંવાર પાછા ત્યાં આવે છે, ઇત્યાદિ, ઇત્યાદિ.

પણ એ તો આડી વાત ઉપર ઊતર્યો. રવિશંકરભાઈની સાથે થોડી ઘડી ગાળવી એ પણ ચેતન મેળવવા જેવું છે; નરકને સ્વર્ગ કરવાની તેમની શક્તિ જોવા અને સાધવાને સારુ તો તેમની સાથે રહી તેમની તપશ્ચર્યા શીખવી જોઈએ.

મસ્ત દૃશ્યો

તાલુકામાં તેમજ સુરતમાં અને અમદાવાદમાં વલ્લભભાઈએ માનપત્રો અને અભિનંદનોનો જવાબ આપતા જેટલા ગાંધીજીને સંભાર્યા છે તેટલા જ પોતાના સાથીઓને સંભાર્યા છે. અને એ સાથીઓ તે કેવા ? પડ્યો બોલ ઉઠાવી લેનારા, ફલાણો હુકમ કેમ થયો છે તે પૂછ્યા વિના તેનો અમલ કરનારા, ફલાણે ઠેકાણે કેમ જાઓ છો, ગવર્નરની પાસે ડેપ્યુટેશનમાં કોને લઈ જવાના છે, પૂના જઈને સમાધાનીની શરતો કેવી કરવાના છો, પૂના જઈ ને શી વાત કરી આવ્યા — એવા એકે સવાલ પૂછવાનો વિચાર સરખો ન કરી કેવળ તાલીમ જાળવી, પોતાને સોંપેલું કામ કરનારા વફાદાર સાથીઓ. આ સાથીઓને વિજયની ખુમારી ચડે તો તેમાં નવાઈ શી હતી ? પણ તેમને પણ પોતાના વિજયની ખુમારી નહોતી; પોતાનાથી થયેલી કાચીપાકી સેવાથી પેાતાના સરદારને વિજય મળે એ જ વાતની તેમને ખુમારી હતી, અને સરદાર વળી એવી જ તક આપે તો વળી તેમના ઝુંડા નીચે તેમના ગમે તે હુકમો ઉઠાવવાની તૈયારીની, અને એ તૈયારીથી થતા કૃતકૃત્યતાના ભાનની ખુમારી હતી. જેણે વફાદારીભરેલી સેવાની લહેજત ચાખી છે,

૨૭૨