આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રળિયામણી ઘડી
 

 જેણે કાળી રાતે પડ્યો બોલ ઉઠાવવાનો લહાવો લીધો છે, એવા સૈનિકોને એ ખુમારી રાખવાનો અને મસ્ત થઈને પોતાના સરદારના વિજયનાં ગીત ગાવાનો અધિકાર છે. પોતાનાં સીધાં, સાદાં અને ગામડિયાઓની જીભે સહેજે ચડી જનારાં ગીતોથી આખા બારડોલીને ઘેલું કરનાર ફૂલચંદભાઈના અને તેમના ભેરૂ શિવાનંદનો આનંદ માતો નહોતો. કેટલાય દિવસો થયાં ગીતો બનાવવાનું બંધ કરેલું છતાં વિજયની ખબર આવી કે તરત જ ફૂલચંદભાઈને ઊર્મી છૂટી આવી, અને વિજયનાં અનેક ગીતે રચી કાઢ્યાં એમાં

હાક વાગી વલ્લભની વિશ્વમાં રે
તોપ બળિયાને કીધા મ્હાત — હાક૦
પ્રાણ ફૂંક્યા ખેડૂતનાં હાડમાં રે
કાયરતાને મારી લાત — હાક૦
હાથ હેઠા પડ્યા સરકારના રે
વધી સત્યાગ્રહીની સાખ— હાક૦
કર્યું પાણી પોતાના લોહીનું રે
નિજ ભાંડુની સેવા કાજ — હાક૦
કર્યું સાબિત કોઈથી ના હઠે રે
શૂરા સત્યાગ્રહીની જમાત — હાક૦
જીતડંકો વગાડ્યો વિશ્વમાં રે
બારડોલીનો જયજયકાર — હાક૦

એ ગીત સભામાં, સરઘસોમાં અને ટ્રેનમાં એ સૈનિકો લલકાર્યા જ કરતા હતા. ૧૨ મી ઑગસ્ટને દિવસે બારડોલીમાં આખો બારડોલી તાલુકા ઊલટ્યો હતો; બારડોલીથી બધા સૈનિકો સમેત સરદારને સૂરતનું નિમંત્રણ હતું, પોતાની સેના લઈને જે ટ્રેનમાં સરદાર ગયા તે ટ્રેનમાં બુલંદ અવાજે ગવાતાં ગીતોમાં પણ મસ્તી ભરેલી હતી. સૂરતમાં આ ત્રણસે જેટલા સૈનિકોનું સરઘસ નીકળ્યું તે દૃશ્યમાં પણ મસ્તી હતી. એ મસ્તી જોઈ ને ગમે તે સરકારનો મદ હળવો પડે તો નવાઈ નહિ.

એ સૈનિકોની મસ્તીને જરાય મોળી પડવા ન દે એવું, તેમને શિરનાં સાટાં કરીને ઝૂઝવું હોય તો તેનો અવકાશ આપે એવું,

૨૭૩