આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રળિયામણી ઘડી
 


માની બેસનારને ગાંધીજીની મીઠી ચાબૂકની જરૂર હતી. ગાંધીજીની પાસે ભાષણ કરાવવાની કબૂલાત ન લીધેલી છતાં તેમને ઉઠાડીને ડાક્ટર હરિપ્રસાદે અમદાવાદને માટે એ ચાબૂક માગી લીધી.

અમદાવાદ અને સૂરતની વ્યવસ્થામાં ઠીક ફેર દેખાઈ આવતો હતો. સૂરત શહેર છતાં ગ્રામ્ય સાદાઈ અને સૌંદર્ય સમજે છે એમ નદીના તટે પચીસ હજાર માણસોની શાંત સભા ગોઠવીને તેણે બતાવી આપ્યું. અમદાવાદ ‘સુધારા’નું પૂજારી રહ્યું, નદી ઉપર શોભા ન કરી શકાય, અને નદીની અકૃત્રિમ શોભાથી તેને તૃપ્તિ ન વળી એટલે ભગુભાઈના વંડામાં શોભા કરી, અને સભાની અશાંતિ વહોરી લીધી. કૃત્રિમ સૌંદર્યનો ત્યાગ કરતાં પણ આપણે શીખવાનું છે.

સૂરત અને અમદાવાદનાં સરઘસ અને સન્માન જે બારડોલીનો કોઈ ગામડિયો જોવા આવ્યો હોય તો શું કહે તે જણાવું ? તેને તો એ જ વિચાર આવે : ‘અમારા ગામડામાં આટલાં ફૂલો નથી થતાં અથવા નથી મળતાં એ સારું છે, નાહકનાં ઢગલો ફૂલોમાં પૈસા બરબાદ થાય, અને જેનો માથે જ ચડવાનો અધિકાર છે તે ફૂલો પગ તળે રોળાય.’ બારડોલીમાં કાછિયા અને કોળી જેવા વર્ણની બહેનોએ પણ સરદારનાં સ્વાગત રૂપિયો પૈસો અને કુંકુમે કરેલાં, શહેરીઓ શા સારુ ફૂલોના ઢગલાને બદલે તેટલા રૂપિયાના ઢગલા ન કરતા હોય ? એટલા રૂપિયાએ તો ખાદીનું એક કેન્દ્ર ચાલે અને હજારો બહેનોને રોજી મળે!

અમદાવાદમાં પણ કેટલાક વ્યવહારકુશળ સ્વાગત કરનારા હતા ખરા. કેટલાંક મહાજનોએ સારી સારી રકમ આપી. એક બહેનના મીઠા શબ્દો વલ્લભભાઈ કદી ન ભૂલે, એક ડોશીમાએ સૂતર આપતાં કહ્યું : ‘ધન્ય છે તમારી માતાને !’ અને એક સાદી જાડી ખાદી પહેરીને લોકાના ટોળામાંથી જેમતેમ માર્ગ કરીને આવેલી બહેને પોતાનો હાર પહેરાવી કહ્યું : ‘મારા હાથે કાંતીને હાર કરી લાવી છું.’

૨૭૭