આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અમૃતવાણી
 


શક્તિ તો વડવાનલ જેવી સુષુપ્ત દશામાં હોય જ. લોકોમાં કામ કરવાનાં ઘણાં છે, કેમકે આપણામાં સડો ઓછો ધોવાનો નથી. મિસ મેયોને ગાળો દેવી સહેલી છે. તેણે લખ્યું તે બધું દુશ્મનભાવે લખ્યું છે એ ખરું, પણ તેણે જે કંઈ લખ્યું છે તેમાં કશું રહસ્ય નથી એમ કોઈ કહે તો હું તે કબૂલ નહિ કરું. તેણે મુકેલા કેટલાક પુરાવા તો સાચા છે, જોકે તે પરથી તેણે ખેંચેલાં અનુમાન ખોટાં છે. આપણામાં જે બાળવિવાહ છે, આપણામાં જે વૃદ્ધવિવાહ છે, વિધવાઓ તરફ જે અમાનુષી વર્તાવ છે તે બધાનું આપણે શું કરશું?

ઠીક થયું કે બારડોલી તાલુકાની લડત દરમ્યાન હિંદુ, મુસલમાન, પારસી બધા સાથે રહી શક્યા. પણ તે પરથી એમ કંઈ માની શકાય કે બધા સંપૂર્ણ અને કાયમને સારુ એકદિલ થઈ ગયા છે? એકતા થઈ તેમાં સરદારની કુનેહ ઉપરાંત તેમની સાથે અબ્બાસસાહેબ અને ઇમામસાહેબ જેવા બેઠા હતા એ કારણ છે. પણ હિંદુસ્તાનમાં બીજે ગમે તેટલા કોમી ઝગડા ફાટી નીકળે તોયે અહીં તેના છાંટા ઊડે જ નહિ એવી સ્થિતિ હજી ન જ માની લેવાય. આ બધી બાબતોના નિકાલ કર્યા વિના સ્વરાજ આવવાનું નથી. વિલાયતથી બે ચોપડીઓ કાયદાની લખાઈ આવે તેનાથી સ્વરાજ્ય સ્થપાવાનું નથી. તેનાથી ખેડૂતો પર શો પ્રભાવ પડે ? પ્રજાને શો લાભ પહોંચે ? આ બધું ચલાવતાં આવડે ને આ બધી મુશ્કેલીઓના ઉકેલ કરતાં આવડે એનું જ નામ સ્વરાજ.

સ્વયં સેવકની નીતિ

અહીં જે સ્વયંસેવકો રહ્યા છે તેઓ પ્રજાનો પૈસો કૃપણ થઈ વાપરે કે બહોળે હાથે ? પોતા પ્રત્યે ઉદાર રહેવું તે તો મોટું દૂષણ છે. ઉદાર બીજા પ્રત્યે થવાય. પોતા પ્રત્યે કૃપણ અને બીજા પ્રત્યે ઉદાર રહેતાં આવડે ત્યારે જ પોતા અને બીજા વચ્ચેના સંબંધનો મેળ રહે. હું માનું છું કે તમે જે ખર્ચ કર્યું છે તે ઉડાઉ નહોતું, છતાં તે પૂરી કૃપણતાથી વપરાયું છે એમ આપણે સિદ્ધ કરી શકશું તો હું ઘણો ખુશી થઈશ. દેશના બીજા ભાગમાં આવે પ્રસંગે જે રીતે સ્વયંસેવકો વર્તે છે તેના કરતાં તમે ચડી ગયા છો એમ જોઈશ ત્યારે રાજી થઈશ.

આપણા જીવનનું ધારણ કેવું હોય ?

આપણો દેશ એક તો જગતમાં સૌથી કંગાળ વળી આપણી સરકાર એવી કે અમેરિકાને બાદ કરીએ તો દુનિયામાં સૌથી ઉડાઉ છે. આપણે અહીંની ઇસ્પિતાલો જોઈએ તો તેમાં ઇંગ્લંડને ધોરણે ખર્ચ થાય છે. સ્કૉટલંડની ઇસ્પિતાલો પણ આપણા જેટલો ખર્ચ ન કરે. કર્નલ મેડકે

૨૮૩