આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


મને કહેલું કે અહીં જેમ વપરાયેલા પાટાનાં કપડાં ફેંકી દઈએ તેમ અમારે સ્કૉટલંડમાં ન ચાલે. ત્યાં તો અમે ધોઈ ને ફરીથી પાછા વાપરીએ. ઇંગ્લંડને એ બધું પાલવે, તેના લોકો ઘર છોડીને બહાર નીકળી પડેલા, તેમાં વળી હિંદુસ્તાન જેવું ક્ષેત્ર લૂંટવા મળી ગયું. પણ આપણું ખરું પ્રમાણ તો હિંદુસ્તાનના મોટા ભાગના લોકોને શું પહેરવાનું મળે છે, શું ઓઢવાનું મળે છે તે પરથી ઠરાવાય. તેના પ્રમાણમાં આપણને કેટલી જરૂર છે, એ વિચાર કરીને તમે તમારું ખર્ચ ચલાવો, તેમ નહિ કરીએ તો છેવટે હારી જવાય.

પ્રજાપ્રેમની પારાશીશી

જેને ધીરજ અને શ્રદ્ધા હશે તે તો આ બધાં કાર્યો ચલાવ્યા જ કરશે. મારા જેવા મરણકાંઠે પહોંચ્યા છે તેમને વરસમાં સ્વરાજ જોવાની ઇચ્છા હોય તે ભલે ન ફળે, પણ તમે તો તમારી જિંદગીમાં જોવા ઇચ્છો જ. તો પછી અંતરમાં ઊતરીને વિચારો કે જે સમુદાયને તમારે સુધારવો છે તેના પ્રત્યે તમને સાચો પ્રેમ, સાચી સહાનુભૂતિ છે કે નહિ ? તેમાંના કોઈનું માથું દુખે તો આપણું માથું દુખવા જેટલું દર્દ થાય છે કે નહિ ? તેમનાં પાયખાનાં મેલાં હોય તો તે સાફ કરવાને આપણે તૈયાર છીએ કે નહિ?

સ્વરાજ લેવું સહેલું છે

એ બધાં રચનાત્મક કાર્ય માટે આટલા સેવકો પૂરા નથી. આપણી એવી સ્થિતિ હોવી જોઈએ કે સરદારે કહ્યું કે ફલાણું કામ થાઓ કે થયું જ છે, વાસણ માંજવાનું કે પાયખાનાં સાફ કરવાનું કામ સોંપ્યું હોય કે મોટરમાં બેસવાનું કામ સોંપ્યું હોય — તે સરખા પ્રેમથી, સરખી પ્રામાણિકતાથી થયું જ છે. એ લાયકાત જો આપણામાં હોય તો જેટલી સહેલાઈથી આ જમીનમહેસૂલની નાની લડતમાં જીત મેળવી તેટલી જ સહેલાઇથી સ્વરાજ મેળવીએ એ વિષે મારા મનમાં શંકા નથી.

એ જ સરદાર પાસે સ્વરાજ લેવડાવે

બારડોલીની દશ હજાર માણસની સભા આગળ ગાંધીજીએ કરેલું ભાષણ આખું જ અહીં આપવું યોગ્ય લાગે છે :

આજના કામનો આરંભ આપણે ઈશ્વરભજનથી કર્યો છે. આપણને ચેતવણી મળી ગઈ છે કે વિજયનો ગર્વ કરવાનો ન હોય. પણ વિજયનો ગર્વ ન કરીએ એટલું બસ નથી. એટલું કહેવું કે બારડોલીનાં ભાઈબહેનોએ પોતાના પરાક્રમથી જશ પ્રાપ્ત કર્યો તે પણ બસ નથી. વલ્લભભાઈ જેવા સરદારના અથાક પ્રયત્નથી જય મળ્યો એ સાચું તોપણ એટલું બસ નથી.

૨૮૪