આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અમૃતવાણી
 


રહેશે. તેઓ જો વકીલની મદદ ન લે, પૈસાની મદદ ન લે, તલવાર પર ઝૂઝશે તો શૂરવીર કહેવાશે, પણ આજે આપણે જે ઢંગથી કામ લઈએ તે રીતે તો નામર્દ બનવાના છીએ. એમાં ધર્મ નથી. ધર્મ તો નમ્રતામાં છે, નમતું મૂકવામાં છે; મરવામાં અથવા લડતાં લડતાં મારીને મરવામાં છે, પણ લડીને અદાલતમાં જવામાં નથી. આજે આખા હિંદુસ્તાનની અંદર દીનહીન સ્થિતિ વ્યાપી રહેલી છે, એમાંથી નીકળી જવાના પાઠ આપણે બારડોલીમાં શીખ્યા છીએ. બારડોલીમાં શૂરાતન બતાવ્યું તેથી આપણને શું ઝાંઝપખાજ વગાડી રાચવાનો અધિકાર મળી જાય છે? (અહીં ખૂબ વરસાદ પડવા માંડ્યો, પણ લોકો પોતાને સ્થાનેથી ખસ્યા નહિ.) મેં તો તમને સત્યાગ્રહી તરીકે આત્મશુદ્ધિનો ધર્મ સમજાવ્યો. આપણે હિંદુસ્તાનમાં રહેનારા એક જ માટીમાંથી પાકેલા એક જ હિંદમાતાની ગોદમાંથી પેદા થયેલા છતાં વિધર્મી સગા ભાઈઓ તરીકે કેમ ન રહી શકીએ ?

બીજો એક કાર્યક્રમ તો છે જ. હિંદુઓ તરીકે આપણે હિંદુજાતિની સુધારણા કરી ચૂક્યા ? આપણી પતિત સ્થિતિ માટે આપણે કેટલા જવાબદાર છીએ? તમે તમારી મેળે જ હિસાબ કરશો તો જોશો કે એ શુદ્ધિ વિના સ્વરાજ ન મળે. બીજી કોઈ રીતે મને સ્વરાજ લેતાં આવડતું નથી. એ મારી મર્યાદા છે, એ સત્યાગ્રહની પણ મર્યાદા છે. જે સ્વરાજ બીજે કોઈ રસ્તે મળતું હોય તો તે સ્વરાજ ન હોય પણ બીજું જ કાંઈ હશે.

જેમ હિંદુધર્મનો સડો કાઢવાનો છે તેમ હિંદુ તેમજ બીજા ધર્મીઓનો હિંદુસ્તાનનાં હાડપિંજર પ્રત્યે શો ધર્મ છે? હિંદુસ્તાનનાં હાડપિંજરમાં તમે ચરબી અને માંસ દાખલ કરવા ઇચ્છતા હો તો રેંટિયા સિવાય એકે બીજો રસ્તો નથી. એનું નાનકડું કારણ હમણાં જ મારા જોવામાં આવ્યું તે સંભળાવી દઉં. ખેતીવાડી કમિશનનો રિપોર્ટ સેંકડો પાનાંનો બહાર પડ્યો છે, તેના ઉપર સર લલ્લુભાઈ શામળદાસની ટીકા વાંચી. તેમણે જણાવ્યું છે કે કમિશનના સભ્યો ભીંત ભૂલ્યા છે, ગ્રામ્ય ઉદ્યોગોના પ્રકરણમાં એમને રેંટિયાનું નામ લેવું પણ યોગ્ય નથી લાગ્યું. સર લલ્લુભાઈ કહે તેમ એ નામથી પણ તેઓ ભડક્યા અને અસ્પૃશ્ય માનીને આઘા ખસ્યા છે. એના ઉચ્ચારણથી પણ શરમાયા છે. એ શા કારણે હશે? જે રેંટિયા પાછળ કેટલાક ઘેલા થયેલા છે એનું નામનિશાન નહિ, અરે, એની નિંદા કે ટીકા પણ નહિ. એનું કારણ શું? એની શક્તિથી એ લોકો ભડક્યા છે, અને એમાં મને રેંટિયાનો જબરદસ્ત બચાવ

મળતો લાગે છે. (વળી વરસાદનું ઝાપટું. અંગ્રેજી માલના બહિષ્કારની

૨૮૯