આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


સ્પષ્ટ લખ્યું હતું : ‘બી. બી. સી. આઈ. રેલ્વેના એજંટની પાસેથી મને ખબર મળી છે કે ટાપ્ટી લાઈન આવતે વર્ષે આ જ સમયે શરૂ થશે. ગમે તેમ હો, પાંચ વરસ પછી બારડોલી સૂરતની સાથે રેલ્વેથી સંકળાશે એમ માનવામાં કશી અડચણ નથી. અને રિવિઝન દાખલ થયા પછી ૩૦ વરસ સુધી ચાલશે, એટલે જમીનના આકારના દર નક્કી કરતી વખતે ભવિષ્યમાં થનારી રેલ્વેથી થનારા ફાયદા ધ્યાનમાં લેવામાં વાંધો નથી.’

રસ્તાઓના સુધારા વિષે તો કશું ન કહીએ તો સારું. બારડોલી તાલુકાનાં ગામડાંમાં ભટકનાર તાલુકાના પાકા રસ્તાઓની તારીફ કરે તો તે રસ્તા ઉપરથી તે ભટક્યો હોવા વિષે શંકા થાય. કર્નલ પ્રેસકોટના સમયમાં એ રસ્તા ‘માણસ અને પશુનાં કાળજાં તોડે એવા’ હતા, તો તે આજે કાંઈ બહુ સુધર્યા નથી, અને આજે જે ‘સેકંડ ક્લાસ રસ્તા’ કહેવાય છે તેમના કરતાં તો ચોમાસાના ચાર માસ સિવાયના આઠ માસમાં ગામઠી ગરઢ વધારે સારી. કર્નલ પ્રેસકોટે કેટલાંય વર્ષ ઉપર લખ્યું હતું : ‘બારડોલી તાલુકો જ્યારથી આપણા હાથમાં આવ્યો છે ત્યારથી એ બહુ ભારે મહેસૂલ ભરતો આવ્યો છે, અને તેનો વિચાર કરીને પણ આપણે ત્યાં સારા રસ્તા કરવા જોઈએ.’ આજે કહેવાતા સારા રસ્તા ઉપર મહેસૂલવધારો સૂચવાય છે.

૨. વસ્તીમાં ૩૦ વર્ષમાં ૩,૮૬૦ નો વધારો એ વધારો કહેવાતો હશે ? ગામડાંની વસ્તી તો તૂટી છે, કસબાની વસ્તી વધી છે.

૩. ભેંસો સિવાય બીજા કશાં સાધનોમાં વધારો થયો નથી. બળદોની સંખ્યામાં તો ઊલટો ઘટાડો થયો છે એમ શ્રી. જયકર પોતે કબૂલ કરે છે. વળી લોકો બીજે કમાઈ કરી લાવીને પણ બળદ, હળ, વગેરે ખરીદ કરે અને નવાં મકાન પણ બાંધે. વળી કુટુંબો વિભક્ત થાય એટલે પણ નવા હળની, નવી ગાલ્લીની અને નવી બળદજોડની જરૂર પડે. આ વાતનો સ્વીકાર સૂરતના કલેક્ટર મિ. લેલીએ પણ કર્યો હતો.

૪. લોકો સમૃદ્ધ ન હોય તો પાકાં મકાનો શી રીતે બાંધે છે એ સવાલ થાય છે. “આફ્રિકાથી ધન કમાઈ લાવે એટલે દેશમાં

૨૪