આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 ઊઘડવા માંડી. વળી આગળ વધીને સવાલ પૂછ્યો: ‘આ લોકો જાણે છે તો ખરાને કે જયકર કોણ છે ?’ એટલે લોકોએ કહ્યું: ‘જયકર પ્રાંત અમલદાર હતા એમ સાંભળ્યું છે, પણ એમનું મોં જોયું હોય તો ખબર પડે ના કે એ કોણ હતા ?’ પટેલતલાટીનો આ બેધડક જવાબ મેળવીને જ મિ. બ્રૂમફીલ્ડ આભા બન્યા. આ પછી તો તેમણે ઘણે ઠેકાણે એની એ જ તપાસ કરી, એના એ જ જવાબ મેળવ્યા; બીજાં ગામોએ પણ આફવા ગામની જેમ કુલ તારવ્યા વિનાનાં ગણોતના આંકડા અને શ્રી. જયકરના તારવેલા આંકડા તપાસ્યા, પણ બધે જ એમને જયકરના આંકડા ઢંગધડા વિનાના લાગ્યા.

એટલે અમલદારોની આગળ સમસ્યા એ ઊભી થઈ કે જો ગણોતના શ્રી. જયકરે તૈયાર કરેલા આંકડા છેક ખોટા જ હોય તો શું બધે નવાં પત્રકો તૈયાર કરવાં કે ગણોતના ઉપર આધાર રાખવાનો વિચાર માંડી વાળવો. આરંભમાં એમણે એકબે ઠેકાણે અમને કહ્યું: ‘તમે નફાતોટાના આંકડા આપવાના હતા તે કેમ થયું ?’ એટલે અમે એ આંકડા આપવા માંડ્યા. એ આંકડામાં ખોટ આવે એટલે એ જોઈ ને અમલદારોની મૂંઝવણ વધી. સરભોણમાં એવો નિશ્ચય કર્યો કે આ આંકડા વિષે અમારી અને ખેડૂતોની સખ્ત ઊલટતપાસ કરવી અને આંકડા ખોટા પાડવા. એ ઊલટતપાસથી તો તેઓ આંકડા ખોટા ન પાડી શક્યા એમ આપણે આવતા પ્રકરણમાં જોશું, પણ એ આંકડા ખોટા ન પડ્યા એટલે કાંઈક બીજો રસ્તો કાઢવો જોઈએ એવા નિશ્ચય ઉપર તેઓ આવ્યા. આ નિશ્ચય ઉપર આવતાં પણ તેમને ત્રણેક અઠવાડિયાં ગયાં હશે એમ લાગે છે; અને એ નિશ્ચય ઉપર આવીને એમણે પહેલા મુદ્દાનો એ જવાબ કાઢ્યો કે નફો કાઢવાની રીત અનેક છે જેમાંની એક શુદ્ધ ગણોત તપાસવાની છે, અને તેથી ગણોત ઉપર આધાર રાખવામાં કલમ ૧૦૭નો ભંગ થતો નથી. છતાં તેમણે પોતાનાં રિપોર્ટમાં એટલું તો કબૂલ જ કર્યું કે આ તાલુકામાં ગણોતે આપવાનો રિવાજ ઓછો છે,

૩૦૪