આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪ થું
બારડોલીમાં શું બન્યું ?—લોકપક્ષ
 


આવીને ઘર બાંધે. તેનું જોઈ બીજા પાસે નાણાં ન હોય છતાં પેલાના જેવો મોટો કહેવડાવવા તે પણ ઘર બાંધે. અને હવે તો એટલે સુધી સ્થિતિ આવી ગઈ છે કે મોટું ઘર હોય તો જ છોકરાને કન્યા મળે. અમારી તપાસ દરમ્યાન એક દાખલો એવો મળ્યો કે છોકરો મોટી ઉંમરનો થયો. તે કુંવારો રહી ગયેલો એટલે કન્યા મળે તેની ખાતર જમીન ગીરો મૂકીને ઘર બાંધ્યું. પણ ઉપાડેલાં નાણાંથી ઘર પૂરું ન થયું એટલે છેવટે દેવું ભરવા અને ઘર પૂરું કરવા માટે કમાવા સારુ એ છોકરો પરદેશ ગયો ! તાલુકામાં પાકાં મોટાં મકાન છે તેમાંના અર્ધા ઉપર તો આફ્રિકા જવાવાળાનાં છે, અને બીજા પાકા મકાનોવાળા મોટેભાગે દેવાદાર હોય છે” (ભાઈ નરહરિકૃત ‘બારડોલીના ખેડૂતો’).

૫. કાળીપરજ લોકોમાં મદ્યપાનનિષેધની ચળવળ ચાલી છે અને કેળવણીનો પ્રચાર થઈ રહ્યો છે એ એમની પ્રગતિ સૂચવે છે એવું કારણ આપીને એ લોકોને પણ ૨૫ ટકા વધારે લાગુ પાડવામાં હરકત નથી એમ શ્રી. જયકરે કહ્યું છે. આ મદ્યપાનનિષેધની ચળવળ જ્યારે પૂરી સફળ થઈ ત્યારે ખરી. કેળવણી તો હજી દૂર છે, અને કરજનો બોજો એ લોકો ઉપર રોજ વધતો જાય છે અને તેઓ પોતાની જમીન ખોતા જાય છે.

૬. “માલના ભાવ ૧૯૧૪ થી ૧૯૨૫ના ગાળામાં વધેલા તે લડાઈના કારણથી વધ્યા હતા એ સર્વવિદિત છે. આંકણી-અમલદારના રિપોર્ટની શાહી સુકાયા પહેલાં તો એ ભાવ ઘટી ગયા છે. એટલે આવા અપવાદરૂપ વર્ષોમાં વધેલા ભાવ ઉપરથી ત્રીસ વરસ સુધી મહેસૂલના દર વધારી મૂકવા એ ઉઘાડો અન્યાય છે. બીજું, માલના ભાવ તો ઊતરી પણ ગયા, પણ મજૂરીના ભાવ

વધ્યા અને રહેણીકરણીનું ધોરણ ખરચાળ થયું. તેને ઊતરતાં વાર લાગવાની. માલના ભાવ વધ્યા તેની સાથે ખેતીનાં ખર્ચ વધી ગયાં છે એ ધ્યાનમાં નથી લેવાયું. જે બળદની જોડ પચીસ કે ત્રીસ વરસ ઉપર સો રૂપિયે મળતી તેના હાલ ચારસોથી પાંચસો રૂપિયા પડે છે, જે ગાડાં પચાસ કે પોણોસો રૂપિયે થતાં તેના આજે દોઢસો પડે છે. જે દૂબળો પચીસ કે ત્રીસ રૂપિયે

૨૫