આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩ જું
ખેતીનો નફો !
 


‘૨૫ રૂપિયા ઉપાડના તો તમે ધીરો ને ? એ તો એને ખાતે લખાય ને ?’

‘ખાતે લખાય, પણ પાછા વળે કયે દિવસે ? કદાચ દુબળો એ ચાર રૂપિયા કાપણી વખતે વાળે.’

‘ખાતર કેટલું ખરીદેલું ?’

‘૪૨ રૂપિયાનું ખાતર. ૩૫ રૂપિયાનાં બકરાં બેસાડેલાં અને ૭ રૂપિયાનું છાણ લીધેલું. આ ઉપરાંત ઘરનું ખાતર તો હતું જ.’

વડોલી ગામમાં સાહેબ એકાદા દૂબળાને પકડી તેની દૃષ્ટિએ કેસ સાંભળવો છે એમ કહેતા કહેતા આવ્યા હતા, એટલે એક દૂબળાને પકડી આણવામાં આવ્યો. સુખલો દૂબળો જાણે પોતાના ઘરમાં જ ઊભો હોય તેમ સાહેબની સામે ઊભો, અને પોતાના ધણિયામાની — બારડોલીમાં દૂબળાનો માલિક ધણિયામા કહેવાય છે — સાથે વાત કરતો હોય તેમ વાત કરવા લાગ્યો. સત્યાગ્રહની ચળવળે દુબળાઓમાં પણ કેટલું તેજ આણ્યું છે તેની સાક્ષી પૂરતો સુખલો સાહેબનાથી જરાયે અંજાયા વિના ઉજળિયાતને લજવે એવી હિંમતથી જવાબ આપ્યે ગયો.

‘તારા ધણિયામાનું નામ શું ?’

‘મણિ કહન.’

‘તારું ખાતું એને ઘેર કેટલું ?’

‘મારી પાહે તણહેં રૂપિયા માગે.’

‘કેટલાં વરસ થયાં તું રહ્યો છે ?’

‘પાંચ, છ હાત વરહ થયાં ઓહે જ તો.’

‘તું તારા ધણિયામાને દર વરસે કેટલું વાળે ?’

‘બઉ બઉ તો વરહે પાંચ રૂપિયા. પાછેર રૂના બે પૈહા મલે અને બે જણા મળીને ૧ાા મણ કપાહ વણીએ. હો પૂળે પાવલી અને ધણિયામાને ઘેર તણ આના.’

‘તને તારે ધણિયામો શું આપે ?’

‘રોજ બહેર જુવાર, બે વખત ખાવાનું, અને તણ વખત તમાકુ. ચા પીવાની હૌ મલે જ તો.’

૩૧૯