આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ફળ

આખા ઉત્તરાર્ધને ‘ફળ’ નું નામ આપ્યું છે. પૂર્વાર્ધને ‘કલેશ’ કહ્યો હતો. ‘કલેશ’ એટલે તપશ્ચર્યા. શુદ્ધ સાત્ત્વિક તપશ્ચર્યા જેને કહે છે તેવી તપશ્ચર્યા બારડોલીના લોકોએ કદાચ ન કરી હોય, તોપણ તેમણે કદી ન ભોગવેલાં એવાં કષ્ટ ભોગવ્યાં એ તેમને માટે તપશ્ચર્યા જ હતી, અને એ ‘કલેશ’ નું જ્યારે લોકોને ‘ફળ’ મળ્યું, ત્યારે જેમ શિવજીને માટે તપશ્ચર્યા કરતી ઉમાને પોતાના ‘કલેશ’નું ‘ફળ’ શિવજી મળ્યા અને તેનો થાક ઉતરી ગયો તેમ લોકોનો પણ થાક ઊતરી ગયો. તેમનો સત્યાગ્રહ સ્વીકારાયો અને સરકારે તપાસકમિટી નીમી એ જ એક ફળ તો હતું, પણ તપસિકમિટીએ તેમની ફરિયાદ સાચી નહિ પાડી હોત તો એ ફળ અધૂરું રહી જાત. આ ફળ પણ બેવડું હતું. એક તો સત્યાગ્રહનું સીધું આર્થિક પરિણામ જે આવ્યું તે.

આર્થિક પરિણામ : બારડોલી અને ચોર્યાસી તાલુકામાં સરકારે ૧,૮૭,૪૯૨ રૂપિયાનો મહેસૂલવધારો ઠોકી બેસાડ્યો હતો તે ઓછો કરી તપાસ અમલદારોએ એ ૪૮,૬૪૮ નો વધારો ઠરાવ્યો, એટલે બંને તાલુકા મળીને લોકોને દર વર્ષે લગભગ એક લાખ ચાળીસ હજારનો લાભ થયો, એટલે ૩૦ વર્ષને માટે ૪૫ લાખ અથવા વ્યાજની ગણતરી કરીએ તો કરોડ રૂપિયાનો લાભ થયો.

૩૪૨