આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ફળ
 


આ ઉપરાંત તાલુકાનાં ઘણાં ગામોમાં

૧. ન વપરાતા કૂવા માટે સરકાર કર લે છે તે તપાસ દરમ્યાન બહાર આવ્યું અને તે રદ થવાની ભલામણ થઈ;

૨. ક્યારીના ઉપયોગને માટે ન આવતી જમીન જરાયત તરીકે દાખલ કરવામાં આવે એવી ભલામણ થઈ, એટલે એ જમીન જે ઘણાં વર્ષ થયાં બેવડો સરકારધારો ભરતી હતી તે અન્યાય દૂર થાય એવી ભલામણ થઈ;

૩. કેટલાંક ગામોમાં ‘ભાઠાં’ ની જમીન તરીકે ચાલતી અને ‘બાગાયત’ તરીકે ચાલતી જમીન ઉપર બાવળ અને ઘાસ ઉગેલાં હતાં. તેવી જમીન ‘ભાઠાં’ અને ‘બાગાયત’ તરીકે ન ગણવામાં આવે એવી ભલામણ થઈ.

નૈતિક પરિણામ : લોકોએ કરેલી બધી ફરિયાદ સાચી પડી અને લોકોના તેમજ તેમના પ્રતિનિધિઓની પ્રામાણિકતા જગત આગળ સિદ્ધ થઈ. તપાસને પરિણામે કેટલીક વાતો સ્પષ્ટ રીતે બહાર આવી :

૧. સરકારના જવાબદાર અમલદાર જેને સરકારે પોતાના વલ્લભભાઈની સાથેના પત્રવ્યવહારમાં ‘રેવન્યુ ખાતાના અનુભવી અમલદાર’ તરીકે વર્ણવ્યા હતા તે અમલદારે તપાસ નહોતી કરી, એટલું જ નહિ પણ જે ૭૦ ગામ કમિટીએ તપાસ્યાં તેમાંના એક ગામમાં ગણોતો તપાસ્યાં નહોતાં, છતાં એ તપાસ્યાં છે એવું જૂઠાણું એણે રિપોર્ટમાં જાહેર કર્યું, એ જૂઠાણાથી સેટલમેંટ કમિશનરને અવળે રસ્તે દો૨વ્યા, અને સરકારને ઊલટે પાટે ચડાવી મનાવ્યું કે આવા ઠાવકા દેખાતા આંકડા ઉપર સેટલમેંટનો આધાર રાખી શકાય. (રિપોર્ટ પૅરા ૪૩.)

૨. મિ. ઍંડર્સને પણ જૂઠાણું નહિ ચલાવ્યું તો ભયંકર બેદરકારી બતાવી. જે ગામોએ જઈને અમુક ગણોતો તપાસ્યાં એમ એ કહે છે તે ગણોત પણ એણે તપાસ્યાં નહોતાં. અડાજણનું જે ગણોત ગયા પ્રકરણમાં નોંધવામાં આવ્યું છે, અને જેમાં ૨૭ ગુંઠાની જમીનના ટુકડાના પ૦ રૂપિયા ગણોત આવતું હતું તે ગણોત મિ. ઍંડર્સને પોતાના રિપોર્ટમાં નોંધ્યું છે, પણ તેને માટે જે ખુલાસો હતો તેની નોંધ નથી લીધી, એટલે કશી તપાસ નહોતી જ કરી. ખરડ, છિત્રા અને કુવાડિયા ગામે સાહેબ ગયા હતા છતાં

૩૪૩