આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫ મું
ફળ
 


બારડોલી તાલુકાને પરિણામે આખા પ્રાંતનો સવાલ ઊભો થયો એ બારડોલીના સત્યાગ્રહનું મોટામાં મોટું ફળ છે.

પરોક્ષ પરિણામ તો દેશના પ્રાંતપ્રાંતમાં બારડોલીની અસર થઈ, સરકારને અન્યાય કરતાં કંઈક સંકોચ થવા લાગ્યો, પંજાબ જેવા પ્રાંતમાં લાખોનું મહેસૂલ માફ થયું, અને બીજા પ્રાંતમાં મોકૂફ રહ્યું.

નૈતિક પરિણામની ઉપર તો અહીં ઉપર બતાવ્યું છે તેના કરતાં વધારે વિવેચન કરવું અસ્થાને છે. અને એ પરિણામ કેટલું આવ્યું તે કહેવાનો આજે પ્રસંગ પણ નથી. એ પરિણામે આખો પ્રાંત જાગૃત થાય, બીજા કોઈ તાલુકામાં નહિ તો બારડોલી તાલુકામાં આત્મશ્રદ્ધા આવે, અને એ સ્વરાજની મોટી લડત માટે લાયક થાય, તો સત્યાગ્રહનું ઉત્તમોત્તમ ફળ એ આવ્યું કહેવાશે. પણ એની આજથી શી વાત કરવી ? એ તો ભવિષ્યને ખોળે છે, ઈશ્વરને હાથ છે.