આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


પેલાં થોડાં ગામોએ પણ પોતાનો વિચાર ફેરવ્યો. તેમના આ ઠરાવના કેવાં ગંભીર પરિણામ આવે તે મેં તેને સમજાવ્યું. આવી લડત લંબાય પણ ખરી. તેમાં અનેક સંકટો પડે અને જમીન પણ ખોવી પડે, એ વિષે પણ મેં વિવેચન કર્યું. પણ લોકો પોતાના નિર્ણયમાં મને મક્કમ લાગ્યા. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં સરકાર સાથે ભારે ઝગડો બનતાં લગી ટાળવાને હું ઇંતેજાર હોવાથી લોકોને પોતાનો નિર્ણય બરાબર તોળી જવાની મેં સલાહ આપી, અને છેવટનો ઠરાવ કરતાં પહેલાં હું આપ નામદારને લખી જોઉં એવી મેં માગણી કરી. તેમણે મારી સલાહ માની, અને એક અઠવાડિયું રાહ જોવાનું તથા આ વસ્તુનો ફરી વિચાર કરી લેવાનું કબૂલ કર્યું, અને ૧૨મી તારીખે ફરી મળવાનું ઠરાવ્યું. લોકોને પાકો વિચાર કરી નિર્ણય ઉપર આવવાને આથી વધુ વખત મળત તો મને બહુ ગમત, પણ તેમ કરવું શક્ય નહોતું, કારણ હપ્તાની પંદર દિવસની મુદ્દત તા. ૨૦મીએ પૂરી થાય છે.

સરકારની જમીન મહેસૂલની નીતિને લીધે કમનસીબ ગુજરાતને બહુ વેઠવું પડ્યું છે. તેનાં પરિણામ અમદાવાદ અને ખેડા જિલ્લાના કેટલાક તાલુકાઓમાં તો સ્પષ્ટ દેખાય છે. સૂરતની દશા પણ કાંઈ વધુ સારી ન હોત. પણ ત્યાંના બારડોલી તથા બીજા કેટલાક તાલુકાઓમાં મુખ્ય પાક રૂનો છે, અને છેલ્લા મહાયુદ્ધને પરિણામે રૂના ભાવમાં થોડાં વરસો અસાધારણ ઉછાળાનાં આવી ગયાં. ખેડા જિલ્લાનો એક વખત માતબર ગણાતા માતર તાલુકો આજે ફરી ન ઊઠી શકે એવી પાયમાલીમાં આવી ગયો છે. એ જ જિલ્લાના મહેમદાવાદ અને બીજા કેટલાક તાલુકાઓની એવી દશા થવા બેઠી છે, અમદાવાદના ધોળકા અને ધંધુકા તાલુકાનાં ભવિષ્ય પણ સારા વરતાતાં નથી. આ બધું સરકારની મહેસૂલનીતિને પરિણામે થવા પામ્યું છે એ સહેજે સાબિત કરી શકાય એમ છે. વસ્તુસ્થિતિ આવી હોવાથી જ્યારે મેં તા. ૧૯મી જુલાઈ ૧૯૨૭ ના મહેસૂલી ખાતાના સરકારી ઠરાવ નં. ૭પ૪૪/૨૪ નું નીચે જણાવેલ છેલ્લું વાક્ય વાંચ્યું ત્યારે મને દુઃખ સાથે આશ્ચર્ય થયું:

“ઊલટું, ગવર્નર અને તેની કાઉન્સિલને તો શંકા જ નથી કે હમણાં મહેસૂલમાં વધારો કરવામાં આવ્યો છે તે છતાં આવતાં ત્રીસ વરસમાં તાલુકાનો ઇતિહાસ વધતી જતી આબાદીનો જ હશે.”

મારે એટલું ઉમેરવાની જરૂર છે ખરી કે ગુજરાતના બીજા ભાગો વિષેની આવી આગાહીઓ હમેશાં ખોટી પડી છે ?

૩૫૨