આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મુનશી સમિતિના નિર્ણયોનો સારાંશ
 


જરૂરિયાત કરતાં વધારે આકરાં અને જુલમી હતાં. તેમાં કાયદાની શાસ્ત્રીયતાને આદર ન આપતાં અવગણવામાં આવી હતી; ઘણી વખત તેમની બજાવણીમાં એમનો ભોગ થઈ પડતા વર્ગના સામાન્ય હિતની પરવા કરવામાં આવી નહોતી; અને સરકારે જેમને વિષે માની લીધું કે તેઓ તેની સત્તા પચાવી પડ્યા હતા તેમને સજા કરવા તેમજ એ સત્તા પડાવી લેનારાઓની આગેવાની સ્વીકારનારાઓમાં ધાક બેસાડવા એ પગલાં લેવામાં આવ્યાં હતાં. આથી અમે આ જ નિર્ણય ઉપર આવીએ છીએ કે સરકારે આ પગલાં લઈ દંડ દેવાનો તેમજ વેર વાળવાનો ઇરાદો રાખ્યો હતો, અને તેમાં સરકારધારો વસૂલ લેવાનો હેતુ એ એકલો જ નહોતો એટલે એ પગલાં ઝેરીલાં હતાં.

૧૮. જાપ્તાનાં પગલાંને પરિણામે બારડોલી તાલુકો સંગઠિત થયો અને સરકારની પ્રવૃત્તિઓને તોડી પાડવા એ કાર્યબદ્ધ થયો. સરકારે લીધેલાં પગલાંને લઈને પટેલતલાટીએ રાજીનામાં આપ્યાં, અને ગામલોકો કે ગ્રામ્ય અધિકારીઓને સમજાવવાના કે ધમકી આપવાના પ્રયત્નોને પરિણામે લોકોએ ઢીલાપોચાનો સામાજિક બહિષ્કાર કર્યો. સરકારી પ્રવૃત્તિના કારણે તાલુકાના રોજના સામાન્ય કામધંધા અટકી ગયા.

૧૯. સરકારી પ્રવૃત્તિઓને પરિણામે ઢોરોની તંદુરસ્તી અત્યંત બગડી હતી એ નીચલા કોઠા ઉપરથી જણાશે :

તાલુકાનાં ૭૬ ગામોમાંથી મળતા આંકડા

કુલ ભેંસ ૧૬,૬૧૧
માંદી ભેંસ ૩,૮૦૧
કુલ બળદ ૧૩,૦૯૧
માંદા બળદ ૪૨૪
ચામડીનો સોજો ને ચામડી ઊતરી જવી ૯૬૦
પાડાં ૯૨
ચાંદાં અને જીવાત ૨,૧૫૫
પરચૂરણ બીમારી ૧,૦૧૮
કુલ મરણ ૯૩

૨૦. લોકોનું આરોગ્ય પણ બગડ્યું હતું. સરકારી ખાતાએ તેમનાં પગલાંથી લોકોની તંદુરસ્તીને જોખમ ન આવે એ જોવાની પૂરતી કાળજી રાખી નહોતી. લોકોએ સ્વેચ્છાથી જ પોતા ઉપર દુઃખ નોતર્યાં હતાં એટલે કંઈ લોકોની સુખાકારી જોવાની જવાબદારીથી સરકાર મુક્ત ન જ થઈ શકે.

૩૮૯