આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


કહેવાય. ચારપાંચ વર્ષ થયાં તેઓ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા. સરકારી અમલદારોએ તેમના કાર્યનાં મુક્તકંઠે વખાણ કર્યાં હતાં. આમાંના કેટલાકની સાથે તો તેમને મીઠી મૈત્રીનો સંબંધ થયો હતો. એ મૈત્રી પ્રલયસંકટનિવારણના કાર્ય દરમ્યાન ઓછી નહોતી થઈ પણ વધી હતી. સરકારી અમલદારોની સાથે તેમણે આ કાર્યમાં સહકાર કર્યો હતો, પોતાની અજબ વ્યવસ્થાશક્તિની તેમણે અમલદારો ઉપર ખૂબ છાપ પાડી હતી, અને જિલ્લાના કલેક્ટરે તો એકવાર તેમને પૂછેલું પણ ખરું કે આટલા સારા કામ માટે તેમને અને તેમના સાથીઓને સરકાર કાંઈ માન એનાયત કરે એવી ભલામણ પોતે કરે તો તેમાં શ્રી. વલ્લભભાઈને કશો વાંધો છે ?

આવી આવી મૂંઝવણો છતાં બારડોલીના ખેડૂતોનું દુઃખ તેમને વસી ગયું હતું એટલે તેમણે બારડોલી જવાનો નિશ્ચય કર્યો. હજી ખેડૂતોની નાડ તપાસવાનો કંઈક અવકાશ તો હતો જ. ૫ મી ફેબ્રુઆરીએ સરકારનો પહેલો હપ્તો લહેણો થાય, ૪ થી પહેલાં તો બારડોલી પહોંચવું તેમને અશક્ય હતું. ૪ થીએ તમામ ખેડૂતોની એક પરિષદ તેમના પ્રમુખપણા નીચે બારડોલીમાં બોલાવવી એવો નિશ્ચય થયો. એ પ્રમાણે બારડોલીમાં પરિષદ મળી. આ પરિષદમાં ધારાસભાના ત્રણ સભ્યો — રાવ બહાદુર ભીમભાઈ નાયક, રા. સા. દાદુભાઈ દેસાઈ અને શ્રી દીક્ષિત — પણ પધાર્યા હતા. તેઓ તો પોતાની રીતે જેટલું થાય તેટલું કરી ચૂક્યા હતા. ‘હવે બાજી અમારા હાથમાં નથી,’ એમ કહીને તેમણે હાથ ધોઈ નાંખ્યા હતા, અને વલ્લભભાઈ જેવા સત્યાગ્રહી લડતો લડનારા સરદાર પાસે જવાની તેમણે લોકોને ભલામણ કરી હતી. શ્રી વલ્લભભાઈએ પ્રથમ તો કામ કરનારાઓને તપાસ્યા, જોયું કે તેમને સત્યાગ્રહ કરવાની ચળ નહોતી, તેઓ તો હજાર વાતનો વિચાર કરીને પગલું ભરવા માગતા હતા. કેટલાકને લડત ચલાવવાની લોકોની શક્તિ વિષે સ્પષ્ટ અશ્રદ્ધા હતી. આ પછી શ્રી. વલ્લભભાઈએ ગામોના પ્રતિનિધિઓને બોલાવ્યા. ૭૯ ગામોના માણસો આવ્યા હતા, અને તાલુકાની

ખેતી કરનારી બધી કોમો એમાં આવી જતી હતી. બધા કાંઈક

૩૪