આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 કાયદાની ભૂલનો સ્વીકાર તો સરકાર જરૂર કરી શકતી હતી, તે પણ ન કર્યો. શ્રી. વલ્લભભાઈ એ તો મળવાની પણ માગણી કરી હતી. ગવર્નરસાહેબને શ્રી. વલ્લભભાઈ અજાણ્યા નહોતા. પ્રલયસંકટનિવારણના કામને અંગે બેવાર તેમને તેઓ મળ્યા હતા, ખૂબ વાતચીત પણ થઈ હતી, અને પ્રલયસંકટનિવારણના તેમના કામની પણ તે સાહેબને ખબર હતી. પણ તેઓ આ ટાંકણે એવી રીતે વર્ત્યા કે જાણે શ્રી. વલ્લભભાઈ સાથે સીધી મસલત કરવાને પ્રથમથી જ સરકારને અણગમો હોય ના !

દરમ્યાન શ્રી. વલ્લભભાઈ તા. ૧૧ મી માર્ચ સુધી મહેસૂલખાતાના જવાબની રાહ જોઈ બેઠા હતા. જવાબ ન આવ્યો એટલે અગાઉ ઠરાવ્યા પ્રમાણે તેઓ બારડોલી જઈ ૧૨ મી તારીખે પાછા ખેડૂતોને મળ્યા, અને સૌની સાથે પાછી ગોષ્ટી કરી. ખેડૂતોના સેવકો પણ આ વખત દરમ્યાન બેસી નહોતા રહ્યા. તેઓ ગામેગામ ફરી વળ્યા હતા, તેમણે એક પ્રતિજ્ઞા ઉપર ખેડૂતોની સહીઓ લીધી હતી, અને સહી કરનારા આગેવાનોને ભેગા કર્યા હતા. આ વેળા મસલતસભાનો રંગ જુદો જ હતો. પહેલી વેળા આવેલા તે ઉપરાંત પણ કેટલાંક ગામોના લોકો આમાં હાજર હતા.

શ્રી. વલ્લભભાઈએ એકેએક ગામના માણસોને ફેરવી ફેરવીને સવાલ પૂછ્યા. સૌના જવાબમાં સાચનો રણકાર હતો, શેખી નહોતી, પણ સાચી દૃઢતા અને મક્કમતા હતી, અને પરિસ્થિતિનું ભાન હતું. એક પછી એક પોતાના ગામની સ્થિતિ વર્ણવવા લાગ્યા. ‘અમારા ગામના પટેલે કીસ ભરી દીધી છે; અમારી પડોસના વાણિયાએ ભરી દીધી છે. પણ તેને ખબર નહોતી. તે બાકીના ન ભરે.’ ‘અમારા ગામમાં ૫૮ જણે સહી કરી છે. ૧૨ બાકી છે. પણ ૫૮ મક્કમ માણસો છે.’ ‘અમારે ત્યાં બધાએ સહી કરી છે, માત્ર પટેલ બાકી છે, પણ તેનો વિરેાધ નથી.’ ‘અમારે ત્યાં થોડા મુસલમાન જોખમ ખેડવા તૈયાર નથી.’ ‘અમારું અર્ધું ગામ તો ગમે તે થાય તોપણ ઉભું રહેશે. બાકીના અર્ધા ખોટા છે. પણ એ અર્ધું ગામ જાણે

૩૮