આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


સરદારની સાથે ચોવીસે કલાક રહી તેમને દરેક બાબતમાં મદદ આપનાર મંત્રીની ખાસ જરૂર હતી. એક પ્રકારનો ક્ષેત્રસંન્યાસ લઈ બેઠેલા છતાં સ્વામી આનંદે આ પદ આટોપી લીધું અને લડતના અંત સુધી એ પદને શોભાવ્યું.

મુખ્ય કાર્યકર્તાઓ ઉપરાંત, ખેડૂતોએ પોતામાંથી જે અનેક સ્વયંસેવકો ઉભા કર્યા. એ લોકોનું કામ પોતપોતાનાં ગામોમાં સેવા કરવાનું, ખબર લાવવાનું અને પહોંચાડવાનું, સંદેશા લાવવા લઈ જવાનું, અને બીજું જે નાનું મોટું કામ સોંપાય તે કરવાનું હતું. આમાંના કેટલાક સ્વયંસેવકો રાનીપરજ કોમમાંથી મળી રહ્યા હતા.

પત્રિકાઓમાં પહેલું ભાષણ તો શ્રી. વલ્લભભાઈનું ૧રમીનું હતું, પણ શ્રી. વલ્લભભાઈ સત્યાગ્રહનો ઠરાવ કરીને બારડોલીમાં એક ઘડી પણ બેસે એમ નહોતું. તે જ રાત્રે તેઓ વાંકાનેર ગયા. પંડ્યાજીના કાગળના ભણકારા તો તેમના કાનમાં વાગતા જ હતા. એ ભણકારા અને આસપાસની પરિસ્થિતિને લીધે વાંકાનેરમાં એ જ રાત્રે એમણે જે ભાષણ કર્યું તે બારડોલીના ભાષણને ભુલાવે એવું હતું. એ ભાષણ આખી લડતના પાયારૂપ થઈ પડ્યું એમ કહેવાય. અને આ ભાષણથી જ સરદારે આખા તાલુકામાં લોકશિક્ષણ શરૂ કર્યું કહેવાય. આ લોકશિક્ષણનાં બધાં મૂળતત્ત્વો આ ભાષણમાં આવી જાય છે. એ પત્રિકા નં. ૪ થી તરીકે છપાયું. એનો મહત્ત્વનો ભાગ અહીં આપી દઉં છું :

“બારડોલીમાં આજે હું એક નવી સ્થિતિ જોઉં છું. અગાઉના દિવસો મને યાદ છે. તે કાળે આવી સભાઓમાં પુરુષો જેટલી બહેનો પણ આવતી. હવે તમે પુરુષો એકલા જ સભામાં આવો છે. તમે કહેવાતા મોટાઓનું જોઈને મલાજો શીખતા જતા દેખાઓ છો, પણ હું કહું છું કે જો આપણી બહેનો, માતાઓ, સ્ત્રીઓ આપણી સાથે નહિ હોય તો આપણે આગળ ચાલી શકવાના નથી. કાલ સવારે જપ્તીઓ આવશે. આપણી ચીજો,

વાસણો, ઢોરઢાંખર લઈ જવા જપ્તીદારો આવશે. જો આપણે બહેનોને આ લડતથી પૂરી વાકેફગાર નહિ રાખી હોય, તેમને આપણી જોડે જ તૈયાર કરી નહિ હોચ, આ લડતમાં પુરુષના જેટલો જ રસ લેતી નહિ કરી હોય, તો તે વખતે તેઓ શું કરશે ? ખેડા જિલ્લાના મારા આવા અનુભવોમાં મેં જોયું છે કે ઘરનું ઢોર છોડી જવામાં આવે ત્યારે સ્ત્રીઓને લડતમાં

૪૮