આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 ડાહ્યો માણસ તેના ઉપર ધોબો ભરી ધૂળ નાંખે ને આગળ જાય. એમાંથી ફરી સારું પરિણામ નીપજે. કોઈ બૂરું કામ કરે તેના તરફ ભલા થશો તો એ ભવિષ્યમાં સુધરશે. માટે આપણે બૂરાને મૂઠી માટી આપી ભૂલીએ ને ઈશ્વર આપણે માથે આ વખત ન આણે, ને આવતાં પહેલાં મોત આપે એવું માગીએ. લડાઈમાં તો સિપાઈ હોય છે, મરનારા હોય છે ને ભાગી જનારા પણ હોય છે. એમનાં નામ પણ ઇતિહાસમાં લખાય છે. ને મરનારાનાં, ફાંસી જનારાનાં પણ લખાય છે. પણ બેઉનાં કઈ રીતે લખાય છે તે તમે જાણો છો. માટે આ બનાવ ઉપર તમે મૂઠી મૂઠી ધૂળ નાંખી ઢાંકી દ્યો ને એની બદબોને ફેલાવા ન દ્યો.”

લોકો શાંત તો પડ્યા પણ પડેલાઓની સાથે તેઓ સમાધાન કરવાને માટે તૈયાર નહોતા. ‘આમને આવી રીતે જવા દઈએ તો બીજાના ઉપર ખોટી અસર પડે અને બંધારણ નબળું પડે. એ લોકોએ પ્રાયશ્ચિત્ત કર્યે જ છુટકો છે.’ આ પ્રાયશ્ચિત્ત કરાવવાની વાત લોકોને જ સૂઝી હતી. શ્રી. વલ્લભભાઈ તો તેમને ભૂલી જવાનું કહીને નીકળ્યા હતા. જોકે પેલાઓ પાસે ગયા, તેમને ખૂબ સમજાવ્યા, જાહેર માફી માગી ને બાકીનું મહેસૂલ ન ભરવાની પ્રતિજ્ઞા કરીને પ્રાયશ્ચિત્ત કરવાનું કહ્યું. બેમાંથી એકને વાત ગળે ઊતરી ગઈ, તેમને શુદ્ધ પશ્ચાત્તાપ થયો અને તેમણે એ શુદ્ધતાના પ્રમાણ તરીકે રૂ. ૮૦૦નું સત્યાગ્રહ લડતને માટે પ્રાયશ્ચિત્તરૂપે દાન કર્યું. બારડોલી સત્યાગ્રહફાળાનો મંગળ આરંભ આ દાનથી થયો.

આમ અશુભમાંથી શુભ પરિણામ આવ્યું. અશુભ ઉપર ધૂળ નંખાઈ ગઈ, અને શુભની સુવાસ ગામેગામ ફેલાવા લાગી. આખા મહિનામાં આવી રીતે ખરી પડનારાઓની સંખ્યા આંગળીને વઢે ગણી શકાય એટલી હશે. એ વાતથી પણ લોકોનું બળ વધ્યું. અને નાતનાં બંધારણો મજબૂત થવા લાગ્યાં.

પટેલ, તલાટી, વેઠિયાને પણ પ્રસંગે પ્રસંગે શ્રી. વલ્લભભાઈ સંભળાવી લેતા હતા. જપ્તીની નોટિસની મુદ્દત પૂરી થઈ હતી, અને જપ્તી કરવાનું કામ તેમના ઉપર ઝઝૂમી રહ્યું હતું. આ ટાણે શું કરવું ? જેમજેમ લોકોમાં જોર આવતું જતું હતું તેમતેમ તેમનો અમલદારોનો ભય ભાગતો જતો હતો. શ્રી. વલ્લભભાઈની

૬૮