આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦ મું
લૂલા બચાવ
 


તાલુકો સવિનય ભંગની એની ભવ્ય તૈયારી માટે જગપ્રસિદ્ધ થયો હતો. મારે કબૂલ કરવું જોઈએ કે એ પ્રસિદ્ધ થયો હતો ખરો, પણ એ પ્રસિદ્ધિનો મારા તમારા જેવાને લાભ થાય એમ નથી — એ પ્રસિદ્ધિ નિષ્ફળતાની અને હાસ્યપાત્રતાની પ્રસિદ્ધિ હતી. આ વખતે લડત ચલાવી રહ્યા છે તેમને મારે જણાવવું જોઈએ કે એ જમીન ખાલસા થશે. તેને વેચવાનો વખત આવશે ત્યારે તેને લેનારા ઘણા લોકો મળી આવવાના છે. સત્યાગ્રહીઓની હિંસા કે અહિંસા આ લોકોને સોના જેવી જમીન ખરીદતાં અટકાવી શકવાની નથી. એટલે હું તેમને વીનવીને ચેતવું છું કે થર્મોપિલી તરફ કૂચ કરતાં જોજો તમે પાણીપત નહિ પહોંચી જાઓ.”

મિ. ઍંડર્સન ગમે તેટલા જમીન ખરીદનારા ઊભા કરે તેમાં તેમની સાથે કોને તકરાર હોય ? બડાશ જેને જેટલી મારવી હોય તેટલી મારવાના હક છે. પણ પાણીપતની બેવકૂફીભરેલી વાત કરવાની મિ. ઍંડર્સનની હિંમત ચાલી અને એ ભાષણ જેમનું તેમ સરકારી હેવાલોમાં છપાયું એ આ જમાનાની સરકારની બલિહારી છે. બારડોલીએ તો કદી પોતાની ‘પ્રસિદ્ધિ’નો ગર્વ કર્યો નહોતો, પ્રસિદ્ધ થવાનું તેના નસીબમાં તે વેળા નહોતું લખેલું એ વાતનો બારડોલીને ખેદ રહી ગયો હતો. પણ પાણીપતનો શાપ દેતી વેળા મિ. ઍંડર્સનની અક્કલ કેમ એટલી બધી બહેર મારી ગઈ હશે કે તે અજાણતાં હાલની સરકારને અહમદશાહ અબદલી દુરાની સાથે સરખાવી દેતા હતા એ ભૂલી ગયા ? અહમદશાહના દહાડા તો પાણીપત પછી હિંદુસ્તાનમાં ગણ્યાગાંઠયા જ હતા એ વાત ઍંડર્સન કેમ ભૂલી ગયા હશે ? બારડોલી તો પાણીપતના પાઠ ભૂલે એમ નહોતું જ, પણ તે ઉપરાંત બારડોલીની આગળ તેને ઉત્તેજન આપનારી ચંપારણ, ખેડા, નાગપુર અને બોરસદની તાજી યાદ પણ હતી.