આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


ફૂલચંદભાઈનાં લોકપ્રિય ગીતો આબાલવૃદ્ધ સૌને મોઢે ચડી ગયાં હતાં, તે નીડર રીતે સૌ ગાતાં ફરે :

અમે લીધી પ્રતિજ્ઞા પાળશું રે
બારડોલીનું રાખશું નાક અમે ૦

અથવા

પરદેશી સૂબા કીસનો વધારો નહોતો રે નાંખવો—

અથવા

અમે ડરતા નથી સરકારથી રે અમે ૦
સરકાર જૂઠી, સરકાર દંભી
એ તો ડૂબશે એના પાપભારથી રે અમે ૦

આવાં સહેલાં, થોડા જ ફેરફારવાળા પલટા જેમાં એક પછી એક ચાલ્યા આવે એવાં, ગીતો સૌને સહેજે મોઢે થઈ જાય તેમાં નવાઈ શી ? દરેક ગામ પોતાની સ્વયંસેવક સેના ઊભી કરી પોતાનાં ઢોલ અથવા બ્યુગલ રાખવા લાગ્યું, અને જપ્તીનો હુમલો લઈ આવતા કોકને જોયા કે તરત ઢોલ વાગ્યું જ છે. આ ઢોલ વગાડનાર સ્વયંસેવકો બધા બાળકો. જપ્તીવાળા આવ્યા કે ટપોટપ તાળાં પડ્યાં જ છે, અને ખડખડાટ હસતી સ્ત્રીઓ બારણાં વાસી ઊભી જ છે !

અને એ સભાઓ ! કલેક્ટર કમિશનર શા સારુ આવી સભામાં ન જતા હોય ? લોકોનું જોમ જોવાનું તેમને ન ગમતું હોય ! સ્વતંત્ર હવાથી પ્રફુલ્લિત થઈ આનંદસાગરમાં મહાલતા ખેડૂતો તેમની આંખે દેખ્યા ન જતા હોય !

જ્યાં મહિના ઉપર એકે સ્ત્રી જોવામાં નહોતી આવતી ત્યાં હવે ઢગલેઢગલા સ્ત્રી દેખાતી હતી. ક્યાંક તો એમ થઈ જાય કે સ્ત્રીઓ વધારે હશે કે પુરુષ ! દૂરદૂરનાં ગામડાંમાંથી ચાલ્યાં ચાલ્યાં સભાને સ્થાને જાય. ન જુએ બળતા બપોર કે કાળી રાત — જોકે હું ગયો ત્યારે તો શીતળ ચંદ્રિકા આંખો ઠારતી હતી. અને સ્ત્રીઓ કાંઈ ઓટલા ભાંગવા, કે વાતોના ચાપડા મારવા, કે બચ્ચાંના કોલાહલથી સભાને અશાંત કરવા નહોતી જતી. તેઓ તો સંપૂર્ણ રસથી વલ્લભભાઈને સાંભળતી હતી, વાક્યેવાક્યે હોકારા પૂરતી

૮૬