આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨ મું
૧૯૨૧ ની યાદ
 


હતી, અને કોકવાર વલ્લભભાઈના મોંમાંથી પૂરું વાક્ય નીકળે તે પહેલાં તે બહેનોનાં મુખમાંથી બાકીના શબ્દો નીકળતા મેં સાંભળ્યા છે. એક સુંદર દાખલો લઉં. જમીન ખાલસા થાય તો શું ? એક-બે વરસ પડતર મૂકશું, એ વાત વલ્લભભાઈ કરતા હતા. તેમાં પડતર મૂકવાની વાત તો આવી નહોતી. વલ્લભભાઈએ આરંભ કર્યો : ‘આપણે આપણી માતાનું દૂધ એક વર્ષ બહુબહુ તો બે વર્ષ ધાવીએ છીએ,’ એટલું બોલાયું ત્યાં તો પાછળ બેઠેલી બહેનો બોલી, ‘ને ધરતી માતાને તો એકે વર્ષ છોડતા નથી.’

નાની ફરોદ કરીને એક નાનકડું ગામડું છે. રાત્રે ૯ વાગે અમે ત્યાં પહોંચ્યા હતા. ત્યાંનો ઉત્સાહ તો ૧૯૨૧ ની યાદ આપે એવો હતો — ઉત્સાહ જ નહિ, પણ ભક્તિ, શૂર બધુંયે ! પુરુષો ફૂલચંદભાઈનાં ગીતો ગાતા હતા, બહેનો ‘આજે ગુરુજી આવ્યા’, એ ધ્રુવભાવવાળા ગરબાનો આધ્યાત્મિક ભાવ ધર્મયુદ્ધની ઉપર આરોપતી હતી અને વલ્લભભાઈને ગુરુજી તરીકે વધાવતી હતી ! સભામાં જે શાંતિ, વ્યવસ્થા, ખાદી જોવામાં આવી તે જોઈને તો ગાંધીજીની પણ આંતરડી ઠરે. અને પછી સભાનું કામ શરૂ થાય તે પહેલાં તો નાની, મોટી, વૃદ્ધ બહેનોની હાર ચાલી. એક પછી એક વલ્લભભાઈની પાસે આવી, પગે પડી, રૂપિયો ધરી તેમને ચંદનપુષ્પ આપી જતી હતી, અને કપાળે અક્ષતકુંકુમ લગાડી પગ આગળ ભેટ ધરતી હતી. પાપીનાં પાપ ભગાડે એવું એ દૃશ્ય હતું. એ નિર્મળ પ્રેમના નીરમાં નાહ્યા જ કરીએ એમ જતું હતું — જોકે શ્રી. વલ્લભભાઈને તો પારાવાર મૂંઝવણ થઈ રહી હતી એમ તેમની ગંભીર મુખમુદ્રા કહેતી હતી. એક બહેને પોતાનો અર્ઘ્ય ધરી નાનકડી ચિઠ્ઠી પણ વલ્લભભાઈના પગ આગળ મૂકી, જેનો ભાવ એ હતો કે ‘મારા પતિને આ લડતનો રંગ લગાડ્યો તે માટે ધન્યવાદ. અમે ખુવાર થવા તૈયાર છીએ, પતિને જેલમાં જવું પડે તો સુખે મોકલશું. આમાં અમે શું ભારે કરીએ છીએ ? એ તો અમારા સ્વાર્થની લડત છે !’

અને વલ્લભભાઈની વાણી ! મેં તો ચાર વર્ષો ઉપર બોરસદમાં એ રણે ચડેલા સરદારની સાથે ચાલીસે કલાક ગાળ્યા હતા.

૮૭