આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨ મું
૧૯૨૧ની યાદ
 

 રાજ્ય નહિ હોય, પણ લૂંટારાનું રાજ્ય હશે. હું તો કહું છું કે લૂંટારાને આવવા દો. આવા વાણિયાના રાજ્યમાં રહેવા કરતાં તેના રાજ્યમાં રસ પડશે. તાલુકાના લોકોને હું કહું છું કે કોઈ ડરો નહિ. દોઢ મહિનામાં તમારામાં કેટલો ફેર પડી ગયો તે તપાસો. પહેલાં તમારા ચહેરા પર કેટલી ભડક ને ફફડાટ હતાં ? એકબીજા જોડે બેસતા પણ નહિ. અને આજે ? આજે મહાલકરી તો માત્ર આ ડેલાનો જ મહાલકરી છે; મકાનની બહાર તેનો અમલ રહ્યો નથી. હજી જુઓ તો ખરા, આમ ચાલ્યું તો વખત ગયે એને ચપરાસી પણ નહિ મળે.

તમારી જમીનો માટે બહારના ઘરાકો લાવવાની સરકાર વાતો કરે છે, પણ તાલુકાના લોકો બધી ગણત્રી ગણીને બેઠા છે. ૧૯૨૧ ની ગર્જના કરી હતી તે ડરનારી પ્રજાના જોર પર કરી હતી શું ? તે વખતે સંજોગ વીફર્યા ને કસોટી ન થઈ. આજે એ કસોટી ભલે થાય. અને એમાં કયું જોર જોઈએ છે ? પંદર રૂપિયાના ભાડૂતી માણસોને ભેગા કરીને જો સરકાર એનાં લશ્કરો ઊભાં કરે છે, અને એ જ લશ્કરો સમજણ વગ૨, સ્વાર્થ વગર લડાઈના મેદાનમાં જઈને ભડોભડ મરે છે, તો તમે તો હજારોના ખાતેદારો છો, ને તમારે તો તમારા વતનને ખાતર અને તમારાં છોકરાંના રોટલાને ખાતર લડવું છે. આવી લડત તો કોણ અભાગિયો હોય કે ન લડે ? હું તો કહું છું કે આ લડત ભલે લાંબી ચાલે. અહીં બેઠા આપણે આખા ગુજરાતના ખેડૂતોને પાઠ શીખવીશું.”

ઓરગામના ભાષણમાંની ગામઠી ઉપમાઓ કયો ખેડૂત ભૂલી શકે ?

“જે દિવસે સરકારી દફતરમાં ખેડૂત પોતાને માટે આબરૂદાર, ઇજ્જતદાર લેખાશે ત્યારે જ તેનો દહાડો વળશે. આજે તો સરકાર જંગલમાં કોઈ ગાંડો હાથી રૂમે અને તેની હડફેટમાં જે કોઈ આવે તેને રેંસી નાંખે તેવી મદમત્ત બની છે. ગાંડો હાથી મદમાં માને છે કે જેણે વાઘસિંહોને માર્યા તેવા મને મગતરાનો શો હિસાબ ? પણ હું મગતરાને સમજાવું છું કે એ હાથીને રૂમવું હોય એટલું રૂમી લેવા દો, અને પછી લાગ જોઈને કાનમાં પેસી જા ! કારણ કે એટલી શક્તિવાળો હાથી પણ જો મગતરું કાનમાં પેસી જાય તો તરફડિયાં મારી, સૂંઢ પછાડી જમીન પર આળોટે છે. મગતરું ક્ષુદ્ર છે તેથી તેણે હાથીથી બચવું જ જોઈએ એમ નથી. મોટા ઘડામાંથી સંખ્યાબંધ ઠીકરીઓ બને છે, છતાં તેમાંની એક જ ઠીકરી આખા ઘડાને ફોડવા પૂરતી છે. ઘડાથી ઠીકરી શા સારુ ડરે ? તે ઘડાની પેાતાના જેવી

૮૯