આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૮૮


આકરૂં દબાણ એને મૂંઝવવા લાગ્યું. પણ એની સચ્ચાઈ અને એનું ગાંભીર્ય એટલાં બધાં જાગૃત હતાં કે પોતે ઊંડા વિચારમાં પડી જઈ, પોતાની નબળાઈનો તોલ બાંધી, આખરે જાહેર કર્યું કે 'ભાઈ, આર્યસમાજના પ્રધાનપદની જવાબદારી તો એક રાજના શાસન કરતાં પણ કઠિન કહેવાય !' સાંભળીને એના મિત્રો ખડખડ હસી પડ્યા. 'અરે મુન્શીરામજી, રોકડા ચાર તો એના સભાસદો છે. છોકરાંની ઘેાલકી જેવી તો એની દશા છે. એમાં તમે એની રાજવહીવટ સાથે સરખામણી કરી નાખી, ભલા માણસ ?' સાંભળીને મુન્શીરામજીનું ગાંભીર્ય પણ હાસ્યથી તૂટી પડ્યું. આવી એક નજીવી બાબતમાં પણ પોતે શા માટે વધુ પડતું મહત્ત્વ કલ્પી લીધું ? પોતે જ લખે છે કે 'સાધારણમાં સાધારણ પ્રશ્નને પણ હું જીવન-મૃત્યુનો પ્રશ્ન બનાવી લઉં છું. આ ઘટના પર નજર કરતાં જ સહુ સમજી જશે કે બીજાઓની પ્રત્યે પ્રેમભાવ રાખતા છતાં પણ મેં અનેકને શા કારણથી જાહેરજીવનમાં મારા શત્રુઓ બનાવી દીધા હતા !'

નાનામાં નાની વાતમાં પણ પ્રાણ પરોવી દેવાની એ પ્રકૃતિ જલંધર સમાજનું સુકાન લેવાની સાથે જ ચમકવા લાગી. પ્રથમ જુમ્બેશ લીધી શાસ્ત્રાર્થોની લડત લડવાની. શાસ્ત્રાર્થોમાં પરાયી સહાય ન લેવાની એણે પ્રતિજ્ઞા કરી. વેદોની પુનરાવૃત્તિ આદરી. રોજ પ્રાત:કાળે અગ્નિહોત્ર પછી વીસ વીસ વેદ-મંત્રોનો પાઠ ચાલવા લાગ્યો. વેદ-ભાષ્યનો પણ સમય ઠરાવ્યો. વ્યાકરણ ન જાણવા છતાં યે મંત્રોમાંથી