આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૧

રાષ્ટ્રીય શિક્ષણનો પિતા


સામ્રાજ્યના પ્રધાનમંડળનો વડો પ્રધાન મી. રામસે મેકડોનાલ્ડ આર્યાવર્તને પ્રવાસે આવ્યો હતો તેણે પોતાની એ મહાન યાત્રાનાં જ્વલંત સંસ્મરણો ઉલ્લાસભરી વાણીમાં અંગ્રેજી આલમ સન્મુખ નીચે પ્રમાણે ધરી દીધાં છે :

રામસે મેકડોનાલ્ડની દષ્ટિએ

'જેએાએ હિન્દી રાજદ્રોહ વિષે વાંચ્યું હશે, તેઓએ એ 'ગુરૂકુળ'નું નામ પણ સાંભળ્યું હશે, કે જ્યાં આર્યસમાજના બાળકો શિક્ષણ લે છે. આર્ય સંસ્કૃતિનાં ભાવના અને સિધ્ધાંતોનું એ સચોટ આવિષ્કરણ છે. અને આ આક્રમણકારી ધર્મમંડળને બાઝેલા તમામ સંદેહોનું એક કેન્દ્ર છે. સરકાર એ સંસ્થા પર ભ્રકુટી ખેંચી રહેલ છે, પોલીસ અધિકારીઓ એની વિરૂદ્ધ લખાણો કરી રહ્યા છે, અને હિન્દી અંગ્રેજો એને ધિક્કારી રહ્યા છે એની યાત્રાએ જવા હું દિલ્હીથી રેલગાડીમાં ચડીને ઘસઘસાટ સૂતો ગયો.

'સવારમાં વહેલો હું હરદ્વાર પહોંચ્યો. પહાડોના દુર્ગની અંદર રમણ ખેલતી ખેલતી ઘૂઘવતી ગંગા નદીને બહાર નીકળી મેદાનને માર્ગે થઈ મહાસાગર સાથે મિલન-યાત્રા આદરવાના આ મુખદ્વાર પર પોતાના આત્માને ગંગાનાં નીરમાં નવરાવી પાવન કરી લેવાને માટે દૂરદૂરથી આવેલાં, અમરત્વ શોધતાં યાત્રાળુઓ સ્ટેશનમાં ઊભરાતાં હતાં. અરણ્યની ઓઢણીમાં શોભતી ટેકરીઓ ઊંચેથી અમારા ઉપર નિરખતી હતી ને તેની વચ્ચે થઈને અમે કડકડતી ઠંડીમાં પગરસ્તે