આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૧૦૬


સાથે પાઠ બોલતા. શ્લોકો લલકારતા, અને શિક્ષકોનાં પ્રવચનો સાંભળતા, વર્ગમાં બેઠા છે. વર્ગો પૂરા થાય છે કે તુરત રમતના મેદાન પર મેદની જામે છે : પ્રત્યેક બાલક પોતાના ગુરૂદેવને પદસ્પર્શ કરી અંજલિ જોડી વંદના દેતો જાય છે.

'સંધ્યાના શીતળ સમયે અમે જંગલમાં ફરીએ છીએ, અને મહાત્મા મુન્શીરામ અમને વાતો સંભળાવતા જાય છે. એ વસ્ત્રો : એ શરીરનો મરોડ : એ લાંબો દંડ : એ દેહની આકૃતિ : એ બધાં મારી બાલ્યાવસ્થામાં મેં પ્રત્યેક રવિવારે નિરખેલાં ગેલીલીનાં ચિત્રોમાંની ઈસુની મૂર્તિનું સ્મરણ કરાવે છે. સૂર્યાસ્તના દેદીપ્યમાન પ્રતાપમાં પશ્ચિમ દિશા પ્રજ્જ્વલી રહી છે : માથા પરનો અર્ધચંદ્ર ધીરે ધીરે રૂપવરણી પ્રભા ધરતો જાય છે; રાત્રિનું વાતાવરણ સ્તબ્ધ બનવા સાથે લાંબુ ઘાસ પણ શાંતિ ધારણ કરે છે : જીવજંતુનાં હલચલન પણ સ્પષ્ટ સાંભળી શકાય છે : અને અમારા ઉપર ઠંડી ઊતરે છે. આખું ગુરૂકુળ અંધકારમાં ડૂબ્યું છે. પરંતુ વચલા ખંડના બારણામાંથી અગ્નિના ભડકા દેખાય છે, મંત્રોચ્ચાર કરતા બટુકોના સૂરોથી એ મેદાન ગુંજી ઊઠ્યું છે. સાદડીઓ ઉપર અને ઘાસ ઉપર નાના નાનાં શ્વેત બટુકો બુદ્ધની પ્રતિમાઓ જેવાં બેસી ગયાં છે, એ નથી હલતાં ચાલતાં, કે નથી અમારી સામે જોતાં : એકત્રિત પૂજા પૂરી કરીને હવે તેઓ પ્રત્યેક પોતાની પ્રશાન્ત ધ્યાનમગ્નતામાં એકાકી બની બેસી રહ્યાં છે.