આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૧૧૨


બદલ હૈદ્રાબાદ રાજ્યે હદપાર કરેલો છતાં પણ કુમારોએ હૈદ્રાબાદને આ મદદ મોકલી !

'એક વાર પાસેના ગામમાં આગ લાગી. એ વખતે રાત હતી. છતાં કુમારો ત્યાં પહોંચ્યા, અને ઉઘાડે પગે, જ્વાળાઓમાં ઝંપલાવી તેઓએ લોકોના જાનમાલ બચાવ્યાં.'

'અમારા આશ્રમમાં એકવાર એકસામટા અઢાર જણ ટાઈફોઈડ તાવમાં પટકાયા. તે વખતે કુમારોના સ્વાર્પણે એમને બચાવ્યા. આખી રાત તેઓ દર્દીની સારવાર કરતા અને દિવસે અભ્યાસ ચલાવતા.'

ગુરૂકુલના સ્નાતકોએ હિન્દી સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં તો એટલો ફાળો આપ્યો છે કે દર સાત સ્નાતક દીઠ એક તો અવશ્ય સુવિખ્યાત ગ્રંથકાર બન્યો હશે. ગુરૂકુલે વેદ ધર્મના નામાંકિત ઉપદેશકો નીપજાવ્યા છે. દક્ષિણ પ્રદેશનું વૈદિક-મીશન ગુરૂકુલના જ સ્નાતકો ચલાવી રહ્યા છે. ત્રણ સ્નાતકો તો પૂર્વ આફ્રિકામાં ધર્મપ્રચાર માટે પર્યટન કરી આવ્યા છે. એકંદર ૭૦ ટકા સ્નાતકો અત્યારે જાહેર સેવામાં જ ઘૂમી રહ્યા છે. આટલી સેવા અન્ય કોઈ પણ જાહેર સંસ્થાએ હજુ નથી નેાંધાવી. અસહકારના યુગમાં કોઈ પણ અન્ય રાષ્ટ્રીય સંસ્થા કરતાં વિશેષ સંખ્યામાં કારાગૃહની બરદાસ્ત કરનાર ગુરૂકુલના જ સ્નાતક હતા. પરજ્ઞાતિમાં લગ્ન કરનારી સહુથી મોટી સંખ્યા પણ ગુરૂકુલની અંદરથી જ નીકળી છે.