આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૧૧૬


બ્રહ્મચર્યપાલન અને આચારશુદ્ધિરૂપી સાચા આત્મિક સ્વરાજના સંદેશા વડે ગામેગામ ભરી દીધાં, ધોળપુરના મુસ્લિમ દીવાને એક મંદિરનો ભાગ તોડાવી ત્યાં જાહેર પાયખાનાં કરવાનો ઈરાદો રાખેલ ત્યાં સફળ સત્યાગ્રહ કરી દીવાનની અક્કલ ઠેકાણે આણી, ગઢવાળમાં દુષ્કાળનિવારણનું કામ કર્યું. અને છઠ્ઠા વર્ષની પ્હો ફાટતાં તો રણશીંગાના ધ્વનિ એના કાન પર અથડાયા. અંચળો ખંખેરીને સંન્યાસીએ નિર્જનતાને સલામ કરી. શાંતિનાં પાથરણાં સંકેલી લીધાં, સૃષ્ટિસૌંદર્યનો વૈભવ એને વસમો થઈ પડ્યો, એકાંત આકરી બની, કેમકે પોતાની જન્મભૂમિના દેહ પર એણે રાઉલેટ કાયદા રૂપી ફણીધરને ભરડો લેતો ભાળ્યો.

૧૯૧૯નું એ યાદગાર સંવત્સર : આખા દેશમાં પુણ્યપ્રકોપ ભભૂકી ઊઠ્યો છે, ચાહે તેવા નિરપરાધી પ્રજાજનને પણ, અરધી રાતની સુખભરી નિદ્રામાંથી, વિના વાંકે, કેવળ રાજદ્રોહના સાચા યા બનાવટી શક ઉપરથી જ ઢંઢોળીને સરકારની પોલિસ પલકારાની અંદર બેડીઓ પહેરાવી ઉઠાવી જઈ શકે, અદાલતમાં એના પર આરોપ સાબિત થયા વગર પણ વર્ષોનાં વર્ષો સુધી એને પોલિસ કરાવાસમાં પૂરી રાખી શકે, તેવા એ કાળા કાયદા સામે કરોડો માતાઓ, પત્નીઓ બહેનભાઈઓ અને બાળકોના વિલાપસ્વર સંભળાયા. અને મહાત્મા ગાંધીજીએ એ કાયદા સામે સત્યાગ્રહનો મહાદંડ ઉગામ્યો. એ સત્યાગ્રહની અંદર સંન્યાસીએ પોતાના દેહને રમતો મેલી દીધો.