આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૧૧૮



મળવાનો ઉદ્દેશ એ હતો કે રાઉલેટ-ખરડાને મંજૂર કરાવવા નોકરશાહી ખડે પગે તત્પર થઈ રહી છે, અને હિન્દી સભાસદો પોતાની નારાજી બતાવવા એ સભામાંથી ઊઠી જાય તો શાસ્ત્રીજીએ પણ એમની સાથે ઊઠી જવું. મેં શાસ્ત્રીજી સાથે આ ચર્ચા ઉપાડી અને એમણે મને કહી દીધું કે પોતે તો ગાંધીજીની જાહેરાતની વિરૂદ્ધ કલમ ઉપાડનાર છે. મેં કહ્યું કે જો પોતે ગાંધીજીના અભિપ્રાય કે કૃત્યો માટે જવાબદાર નથી તો નાહક કુહાડીના હાથા બનવાથી શો લાભ છે ? એ કશું જ કાને ન ધરતાં જ્યારે એમણે કહ્યું કે 'વિરૂદ્ધ અવાજ ઊઠાવવો એ મારી ફરજ છે' ત્યારે મેં જવાબ દીધો કે 'તો પછી સત્યાગ્રહની પ્રતિજ્ઞા પર સહી કરવાની મારી પણ ફરજ છે.' એ રીતે મારે માટે સત્યાગ્રહના પ્રતિજ્ઞાપત્ર પર સહી મૂકવાનું આવશ્યક બન્યું.'

શાસ્ત્રીજીને મળીને પાછાં વળતાં તુરત એમણે ગાંધીજીને તાર કર્યો, ત્રીજે જ દિવસે ગાંધીજી દિલ્હી આવ્યા, એટલે સ્વામીજીએ તા. ૫ કે ૬ માર્ચ ૧૯૧૯ ના રોજ પહેલી જ વાર રાજનૈતિક આંદોલનમાં ભાગ લેવાની જાહેરાત કરી. પંદર દિવસ ગાંધીજી સાથે મુંબઈ, સુરત, ભરૂચ, અમદાવાદ વગેરે ઠેકાણે ઘૂમીને પાછા દિલ્હી આવ્યા. અને એમના હાથમાં એક સરકારનો ખાનગી પત્રવ્યવહાર આવ્યો. એ હતો તે વખતના વાઈસરોય લોર્ડ ચેમ્સફર્ડનો, હિન્દી વજીર મિ. મોન્ટેગુ પર સાંકેતિક ભાષામાં ગયેલો તાર. એમાં લખ્યું હતું:–