આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધર્મવીરને છેલ્લી વદના

કોમી અવિશ્વાસ અને પરસ્પર વિનાશનો એ દાવાનળ પ્રસરતો પ્રસરતો ૧૯૨૬ માં વર્ષની સંધ્યાએ જાણે કે ઘડીવાર ઓલવાઈ ગયો છે. કલકત્તામાં પરસ્પરનાં લોહી રેલાવીને થાકેલા હિન્દુ-મુસ્લિમો જાણે કે ઐક્ય કરવાની ગુપ્ત વેદના અનુભવે છે. પ્રજા ગૌહટી મહાસભાની યાત્રાએ મળી છે. તે વખતે ૭૧ વર્ષના સંન્યાસી શ્રદ્ધાનંદજી બિમારીમાં પથારીવશ પડ્યા છે. કેસરીસિંહ જાણે પાંજરે પૂરાયો છે. સંત મુસ્લિમ ડો. અન્સારીજી એની સારવાર કરે છે. મહાસભાને એ સંદેશો મોકલે છે કે 'હું ઐક્ય કરવા માટે વિનવું છું.'

ડીસેમ્બરની ૨૩ મી તારીખની સાંજ પડતી હતી. એની સારવાર કરનારા સેવકો આખી રાત ઉજાગરાથી થાકીને આજુબાજુ ઝંખ્યા હતા. એ વખતે અબ્દુલ રશીદ નામનો એક ૪૫ વર્ષનો, મૌલવી જેવો દેખાતો મુસલમાન સાંજના ચાર વાગે કાળદૂત સમો આવીને ઊભો રહ્યો. કહે કે મારે શ્રધ્ધાનંદજીની સાથે મુલાકાત કરવી છે. ધર્મસિંહ નામનો સેવક બોલ્યો કે 'સ્વામીજી બિમાર છે, પછી આવજો.' બન્ને વચ્ચે રકઝક ચાલતી હતી એવે સ્વામીજી સંડાસમાંથી ચાલ્યા આવતા હતા. એણે પૂછ્યું: