આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૯

દીનબંધુ


અમે એને છેલ્લાં પચાસ વર્ષોથી ઊંચા લેવા મથીએ છીએ. મેં પોતે પણ મારા સમયનો મોટો ભાગ અને મારી બચતની મોટી રકમો અસ્પૃશ્યો માટે જ અર્પણ કરી છે. હું પૂછું છું કે એની સામે જમા કરવા જેવું આ સરકારે અને આ ગોરા સભ્ય સાહેબોએ કશું કર્યું છે ?'

લાજપતરાયનો શબ્દેશબ્દ સત્યના પાયા પર ઉભેલ છે. એમાંનો એક પણ હરફ જૂઠો પાડવા ત્યાં કોઈ સભાસદની પાસે સાધન નહોતું; અને અસ્પૃશ્યો માટે તો જ્યારે એણે એક કરોડ રૂપિયા અંદાજપત્રમાં અલાયદા મૂકવાનો પ્રસ્તાવ વરિષ્ઠ ધારાસભામાં પેશ કર્યો હતો, ત્યારે સ્વરાજ પક્ષના પ્રતિનિધિઓ જો પ્રસ્તાવના પક્ષમાં મત આપત તો અસ્પૃશ્યોનું કામ પાકી જાત. પરંતુ બરાબર એ જ પ્રસ્તાવને સમયે, 'સદંતર વિરોધ'ની પોતાની નીતિને કારણે સ્વરાજપક્ષીઓને ધારાસભામાંથી બહાર નીકળી જવું પડેલું. તેઓ બધા બહાર પરસાળમાં જ ઊભા હતા. દૂર પણ નહોતા ગયા. સ્વમાનને પોતાનો પ્રાણ લેખનાર લાજપતરાય તે વખતે બહાર નીકળ્યા. હાથ જોડીને, પગે પડીને એણે વિનવણી કરી કે 'કોઈ પધારો ! અસ્પૃશ્યોનું ભલું થશે. ભલા થઈને અંદર પધારો !' પણ સ્વરાજવાદી સભ્યો લાઈલાજ હતા. લાજપતરાય પોતાનું સમસ્ત સ્વાભિમાન અળગું મેલીને હાથ જોડી ઊભા હતા એ અંત્યજોને માટે. છેલ્લાં ત્રણ વરસથી તો હિન્દુવટનાં પાપ ધોવાની અદમ્ય ધગશને વશ બની