આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૫

વીરોનો પણ વીર



લાલાજીને લાગ્યું કે લોકોનો ઉશ્કેરાટ શાંત કરવાના કામમાં કદાચ મદદે બોલાવતા હશે, કહ્યું, “હમણાં અદાલતમાં જઈને વળતાં મળી જાઉં છું.'

'પણ લાલાજી, હમણાં જ આપનું કામ છે; થોડી જ મિનિટનું.'

લાજપતરાય વહેમાયા, નક્કી કંઈક આફત છે. સ્મિત કરીને કહ્યું 'બહુ સારૂં, ચાલો મારી ગાડીમાં જ સહુ જઈએ.'

વિપત્તિના પ્રવાસ પર લાજપતરાય સ્મિત કરતા ચાલ્યા. ત્યાં તો સામે બીજા અંગ્રેજ અમલદારોની ગાડીઓ મળી. કૂદીકૂદીને એ બે ગોરાઓ લાજપતરાયની ગાડીની પગથી પર ચડી ગયા. લાજપતરાયે પોલીસ ઉપરી રૂન્ડલને તો પિછાન હોવાથી કહ્યું 'અંદર આવી જાઓને !' બે મિનીટમાં પોલીસ કચેરીએ પહોંચ્યા.

કમિશ્નરે ગવર્નર જનરલ તરફથી આવેલો કાળાપાણીનો હુકમ દેખાડ્યો. હસીને લાજપતરાય બોલ્યાઃ 'તૈયાર જ છું.'

'કેાઈને મળવું છે ?'

'ના રે !'

'કંઈ કાગળ પત્ર લખવો છે ?'

'હા, હા, જરૂર.'

કાગળ, શાહી ને કલમ હાજર થયા, પુત્ર પ્યારેલાલને