આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૭

વીરોનો પણ વીર


રીતે લાલાજીએ ભાઈ રામસીંગની વલેને ભેટવા કાળાપાણીની મુસાફરી આદરી. દુકાન વધાવી લેતો ડાહ્યો વણિક પાઈ યે પાઇની વ્યવસ્થા કરીને વેપાર સંકેલી લે, તેટલી સ્વસ્થતા લાલાજીએ આ નવા જીવન-પ્રવાસે પળતી વેળા બતાવી. રાતે કારાગૃહમાં એકલા પડતાની વારજ આત્મનિરીક્ષણ આરંભ્યું. એના જ શબ્દો ટાંકીએ:

'પ્રથમ પહેલાં તો મેં પરમાત્માનો પાડ માન્યો કે હું પરહેજ થતી વેળા કૌટુંબિક કરૂણ નાટ્યપ્રવેશોમાંથી બચી ગયો; પત્ની અથવા બચ્ચાં તે સમે હાજર હોત તો ન બચાત. પિતાને માટે હું દિલગીર હતો, પરંતુ એમના ચારિત્ર્યના બળ ઉપર તેમજ સંકટ વેળાની એમના ચિત્તની સ્વસ્થતા ઉપર મને એટલી બધી શ્રદ્ધા હતી કે એમની વ્યાકૂળતાનો વિચારભાર મારા મન પર બહુવાર ન રહ્યો. પત્ની અને બચ્ચાંને તો પિતાની ગોદમાં સુરક્ષિત માન્યાં. એ રીતે કુટુંબના વિચારમાંથી મનને મુક્ત કરી લીધું. પછી મેં મારૂં નૈતિક તથા માનસિક બળ માપી જોયું. મને લાગ્યું કે એ બળ તૂટવાની જરીકે ધાસ્તી નહોતી. બચપણથી જ જગત્કર્તાના ડહાપણમાં મને આસ્થા હતી, ઉપરાંત ચાહે તેવી કટ્ટાકટીમાં પણ મને ટટ્ટાર રાખનાર ફાજલ આત્મશ્રધ્ધાની ઝીણી દીવી મે મારામાં બળતી દીઠી.

'આ રીતના આત્મનિરીક્ષણમાંથી નહાઈધોઈને હું જીવનમાં પૂર્વે હતો તેથી સવિશેષ બળવાન ને નિશ્ચયવાન