આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૯

ધૈર્યનો સાગર


કરવામાં આવ્યો. એ પાણીદાર હતો. એની અને ફોજદારની વચ્ચે ગરમ ટપાટપી બોલી. ફોજદારે ગાળો કાઢી, તેનો આ 'ખાલસા'એ પણ ઉગ્ર પ્રત્યુત્તર દીધો. ફોજદાર પૂછે કે 'સરકાર નાપસંદ કરે છે છતાં તમે શા માતે આ શખ્શને નમન કરો છો?'

જવાબ મળ્યો કે 'કોઈ પણ કાયદાની રૂઇએ સરકાર અમને નમન કરતાં અટકાવી શકે તેમ નથી.'

રોકડા જવાબો ચૂકવનાર એ શીખને છોડી દેવો પડ્યો. પરંતુ લાલાજીએ આ ગાલીપ્રદાન અને આ ધમકી કાનોકાન સાંભળ્યાં. એનાથી આ સહેવાયું નહિ. એ બીજું તો શું કરી શકે ? ફરવાનું અધૂરું મૂકી એ ચાલ્યા આવ્યા.

એક વખત એક દસ જ વર્ષનો મુસલમાન બાળક પોતાના પિતાની સાથે ફરવા નીકળેલો. દૂરથી લાલાજીને દેખી દોટ મૂકીને એ બાળક સલામ કરવા જતો હતો; પાછળથી એને બૂમ પાડીને પિતા વારી રહ્યો હતો કે 'કરીશ ના, સલામ કરીશ ના, પોલીસ પકડી જશે.'

કેદીને ફરવા માતે મુક્કરર કરેલા રસ્તા પર કેટલાક યુરિપીઅન બંગલા હતા. એ બંગલાવાળાને મદ્રાસી હિન્દી નોકરો હતા. આ મદ્રાસીઓને ૩ થી ૧૦ વર્ષ સુધીનાં નાનાં નાનાં બચ્ચાં હતાં. રોજ એ બચ્ચાં લાલાજીની વાટ જોઈ ઊભાં રહેતા. કેદીને નીકળવાનું ટાણું થાય કે તુરત જ એ બધાં બહાર દોડ્યાં આવતાં, રસ્તે ઊભાં રહેતાં